(એજન્સી) પાકુડ, તા.૪
દેશની અર્થવ્યવસ્થામાં નકલી નોટોનું ઝેર ઘોળી રહેલા ગૌતસ્કરોના આ સંપૂર્ણ નેટવર્કની તપાસ જણાવે છે કે, ગૌવંશને મોતના મુખમાં નાખનારા તસ્કરોની મદદ થોડાક રૂપિયા માટે તે જ સંસ્થા કરી રહી છે જેને ગૌતસ્કરોને રોકવા માટે કાયદેસર પોલીસનો યુનિફોર્મ પહેરવાનો અધિકાર મળ્યો છે. પાકુડ પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે, ગૌતસ્કરોને રોકવા માટે બનેલી સંસ્થા સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ કુએલિટી ટુ એનિમલ્સ (એસપીસીએ)ના અધિકારી જ પૈસા લઈને ગાય ચોરોને પોલીસની લોકેશન બતાવે છે અને સુરક્ષિત ઝારખંડ સરહદ પાર કરાવે છે. ર૦૦૭માં તાત્કાલિક ડીજી (માનવઅધિકાર)ના આદેશ પછી માત્ર આ સંસ્થાના અધિકારીઓને પોલીસનો યુનિફોર્મ પહેરવાનો અધિકાર મળ્યો હતો. ઉપરાંત તમામ જિલ્લા એસપીને આ સંસ્થાને સહયોગ આપવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. તેનો જ લાભ લઈ આ સંસ્થાના અધિકારી પોલીસની લોકેશન મેળવી લે છે અને તેનો ઉપયોગ ચોરોને સરહદ પાર કરાવવા માટે કરે છે. પોલીસ તપાસ અનુસાર એસપીસીએના અધિકારી તસ્કરો પાસેથી એક ટ્રકના ૩૦૦૦થી ૪પ૦૦ રૂપિયા સુધી વસૂલે છે.

પકડાયેલા તસ્કરોએ ભેદ ઉકેલ્યો

પાકુડ પોલીસે સિવાનના ઢોર તસ્કર નિઝામુદ્દીન ઉર્ફ નેતાજી તેમજ પૂર્વ પ્રાણીઓના ડોક્ટર એસપીસીએ પદ અધિકારી આલોક કુમારની ધરપકડ કરવામાં આવી હતી. બંનેએ પોલીસને જણાવ્યું કે, દુમકાના એસપીસીએ પદ અધિકારી સંજીવકુમાર મિશ્રાને ૪પ૦૦ તેમજ ગોઠ્ઠાના એસપીસીએ રામપ્રકાશસિંહ તેમજ બાંકાના એસપીસીએ પદ અધિકારી સુધિરસિંહ અને રાજેશસિંહને પોલીસને લોકેશન બતાવવા તેમજ સરહદ પાર કરાવવા માટે ૩૦૦૦ રૂપિયા પ્રતિ વાહન આપવામાં આવે છે.

૮ મહિનામાં ૧૩૦ ઢોર તસ્કરો પકડાયા

પાકુડમાં ઓગસ્ટ ર૦૧૮ સુધી ૩પ જુદા-જુદા મામલાઓમાં કુલ ૧૬૧ ઢોર તસ્કરોને આરોપી બનાવવામાં આવ્યા છે. જેમાં ૧૩૦ની ધરપકડ કરવામાં આવી છે. સૌથી વધુ ૧૩ કેસ માત્ર બંગાળ બોર્ડરને અડીને આવેલા મહેશપુર પોલીસ સ્ટેશનના છે. એસપી શૈલેન્દ્ર વર્ણવાલે જણાવ્યું કે, ચોરીમાં જેની પણ સંડોવણી જાણવા મળશે તેની તપાસ કરવામાં આવશે.

સંસ્થાના અધિકારીઓએ સંબંધીઓને પણ સામેલ કર્યા

રાંચી, તા.૪
એસપીસીએની ગતિવિધિઓની તપાસ કરી સ્પેશિયલ બ્રાંચે પણ એક રિપોર્ટ તૈયાર કરી છે. તે અનુસાર ધમયાદ અને ગિરીડીહ સહિત અનેક સ્થાનો પર એસપીસીએના કર્મચારીઓએ પોતાના સંબંધીઓને પણ સંસ્થામાં સામેલ કરી લીધા છે. સંસ્થાના કર્મચારી રાંચી જિલ્લાના બુંડુ, તમાડ, ઓરમાંઝી, મેસરા, ઠાકુરગામ, દશમર્ફાલ અને રાલુ ક્ષેત્રોમાં ગૌતસ્કરો પાસેથી ઉઘરાણી કરે છે. દુધાળા પશુઓનું પરિવહન કરનારાઓ પાસેથી પણ ઉઘરાણી કરવામાં આવે છે. આ અંગે ઘુર્વા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. સ્પેશિયલ બ્રાંચ અનુસાર એસપીસીએની સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ સામેલ છે. રાંચીમાં વરિષ્ઠ પોલીસ સુપ્રિટેન્ડન્ટ તેની તપાસ કરી રહ્યા છે.

SPCA લેટર હેડમાં અશોક સ્તંભ છપાવી લીધો

SPCA એ પોતાના લેટર હેડમાં અશોક સ્તંભ પણ છપાવી લીધો છે. અશોક સ્તંભની બરાબર નીચે ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા પણ લખેલું છે. ચાર ઓક્ટોબર ર૦૦૭ના દિવસે ગૃહમંત્રાલય દ્વારા જારી નિયમો હેઠળ વિઝિટીંગ કાર્ડ, લેટર હેડ પર અશોક સ્તંભ છપાવવાનો અધિકાર રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રી, લેફ્ટનન્ટ ગવર્નર, સંસદ કાર્યાલય અને અધિકારી સહિત કુલ ૧૬ પદો પર બેઠેલા વ્યક્તિઓને જ છે.