કુંઢેલી, તા.૧૮
તા.૧૪ ફેબ્રુઆરીને દિવસે કાશ્મીરના પુલવામા વિસ્તારમાં ભારતીય સુરક્ષાબળના જવાનોના કાફલા પર આતંકવાદીઓ દ્વારા હુમલો થયો હતો અને તેમાં ૪૪ જવાનો શહીદ થયા હતા. પ્રત્યેક શહીદના પરિવારજનોને મોરારિબાપુની સંવેદનાથી ચિત્રકૂટધામ-તલગાજરડા દ્વારા સાંત્વનારૂપે રૂપિયા એક-એક લાખ મોકલવામાં આવી રહ્યાં છે. જે રકમ ચુમ્માલીસ લાખની છે. આવી કોઈપણ આપદાની સ્થિતિમાં મોરારીબાપુએ રાષ્ટ્રધર્મ અને નાગરિક ધર્મ નિભાવવામાં હંમેશા પહેલ કરી છે. જ્યારે બાપુએ આ હુમલામાં માર્યા ગયેલા જવાનોનાં પરિવારજનોને મદદ પહોંચડવા માટે વિનંતી કરી ત્યારે ત્યાં ઉપસ્થિત રામકથાના શ્રોતાઓએ પણ આ કાર્યમાં સહયોગ કર્યો હતો. એ ઉપરાંત અનેક શ્રોતાઓએ સહયોગ કર્યો હતો અને તેમાં જે વધારાની રાશી એકત્ર થઈ છે તે રકમમાંથી પ્રત્યેક ઘાયલ જવાનને રૂા.રપ હજારની તત્કાલ સહાય મોકલવામાં આવનાર છે. આ અંગે સીઆરપીએફ હેડક્વાટર્સ-દિલ્હીના માર્ગદર્શન મુજબ ઘાયલ જવાનોની વિગતો મેળવી રાશી પહોંચાડવામાં આવશે.