(એજન્સી) મુંબઇ, તા. ૧૪
મહારાષ્ટ્રના પાટનગર મુંબઇમાં ગુરૂવારે સાંજે છત્રપતિ શિવાજી ટર્મિનસ પાસે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઇ હતી જેમાં સ્ટેશન પર એક ફૂટ ઓવરબ્રિજ પડી જવાને કારણે ચાર લોકોના મોત થયા હતાજ્યારે ૩૪થી વધુ લોકો ઘાયલ થવાની પ્રાથમિક જાણકારી મળી હતી. આ ઘટના સાંજે ૭.૩૦ વાગે બની હતી. ઘટનાને પગલે બ્રિજનો આશરે ૬૦ ટકા ભાગ જમીન પર ધરાશાયી થયો હતો. આ બ્રિજ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ને જોડવાનું કામ કરે છે. ઘટના બાદ એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાનું કામ શરૂ કર્યું હતું. આ ઉપરાંત ઘટનાસ્થળે એમ્બ્યુલન્સની ગાડીઓ તથા પોલીસ પણ પહોંચી ગઇ હતી.
પોલીસે કહ્યું કે ઘટનામાં ચાર લોકોના મોત થયા છે અને ૩૪ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સેન્ટ જ્યોર્જ અને જીટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. દુર્ઘટના સમયે ઘણા લોકો અને વાહનો બ્રિજ નીચેથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન બ્રિજ પર પણ ઘણા લોકો ચાલી રહ્યા હતા. સાંજનો સમય હોવાને પગલે ઓફિસોમાંથી અને કામકાજથી પરત ફરતા લોકો આ બ્રિજનો વધુ ઉપયોગ કરે છે. બચાવકાર્યમાં જોડાયેલી એનડીઆરએફની ટીમે કહ્યું હતું કે, દુર્ઘટનામાં ૧૦થી ૧૨ લોકો કાટમાળની નીચે દબાયા હોવાની શંકા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમને પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.