(એજન્સી) ભોપાલ, તા.૧૦
મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાના એક કૂવામાંથી પાંચ બાળકોનાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. જિલ્લાના ચિખલી ગામમાં બુધવારે સવારે એક જ પરિવારના પાંચ બાળકોનાં મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા. આ અંગેની જાણકારી મળતા જ ગામના લોકો એકઠાં થઈ ગયા હતા.ઘટનાની જાણ બાદ પોલીસ આવી પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ભાતરસિંઘ નામના વ્યક્તિના બાળકોનાં મૃતદેહ મળ્યા છે. ભાતરસિંઘ મહારાષ્ટ્રમાં કામ કરે છે અને તેને બે પત્નીઓ છે.
ભાતરસિંઘને પહેલી પત્નીથી ચાર અને બીજી પત્નીથી એક બાળક છે. ભાતરસિંઘ પહેલી પત્ની છેલ્લા એક વર્ષથી તેના પિયરમાં રહે છે. થોડા સમય પહેલા આ ત્રણેય વચ્ચે વિવાદ થયો હતો. હાલમાં પોલીસ આ મામલે ત્રણેયની પૂછપરછ કરવાની તૈયાર કરી રહી છે. જોકે, ભારતસિંઘ અને તેની બંને પત્નીઓ બનાવ બાદ ગુમ થઈ ગઈ છે. હજી સુધી એ વાત સ્પષ્ટ નથી થઈ કે આ હત્યા છે કે પછી દુર્ઘટના. જે કૂવામાંથી પાંચેય બાળકોના મૃતદેહ મળી આવ્યા છે તે ભાતરસિંઘના ઘરથી આશરે દોઢ કિલોમીટર દૂર આવેલો છે. બનાવ સામે આવ્યા બાદ બીજેપીના સ્થાનિક ધારાસભ્ય તેમજ મંત્રી અંતરસિંઘ આર્ય ઘટનાસ્થળે દોડી ગયા હતા.