(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
ગત સપ્તાહે પુણાગામની સોસાયટીમાં રાજસ્થાન બાળ આયોગની સૂચનાથી દરોડા પાડવામાં આવતા ૧૩૮ જેટલા બાળ મજૂરોને મુક્ત કરવાનું સફળ ઓપરેશન સુરત અને રાજસ્થાન પોલીસે પાર પાડ્‌યું હતું. ગતરોજ રિંગરોડ ખાતે આવેલ મિલેનિયમ માર્કેટમાં બાળ આયોગની ફરિયાદના પગલે દરોડા પાડી ૫ બાળ મજૂરોને છોડાવવામાં સફળતા મળી હતી.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બાળ આયોગની ટીમે સલાબતપુરા પોલીસની મદદથી મિલેનિયમ માર્કેટમાં છાપો મારવામાં આવ્યો હતો. મિલેનિયમ માર્કેટની બે દુકાનોમાં બાળ મજૂરો દરોડા દરમ્યાન મળી આવ્યા હતા. માર્કેટોની દુકાનોમાં સાડી કટિંગ, પેકિંગની કામગીરી માટે બાળ મજૂરોનો ઉપયોગ કરવામાં આવતો હતો. મિલેનિયમ માર્કેટમાં આવેલી ભીમનાથ ક્રિએશન અને મહાદેવ ક્રિએશશ્વન દુકાનમાં બાળકો પાસેથી મજૂરી કરાવવામાં આવતી હતી. બાળ આયોગની ટીમ દ્વારા બંને દુકાનોમાંથી પાંચ બાળ મજૂરોને છોડાવવામાં આવ્યા હતા. બાળકોની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન ચાર બાળકો મહારાષ્ટ્રના અને એક બાળક બિહારનો હોવાનું જાણવા મળ્યું છે. ઝડપાયેલા પાંચેય બાળકોને બાળ સુધારગૃહ ખાતે લઈ જવામાં આવ્યા છે. ચાઈલ્ડ વેલ્ફેરના અધિકારીઓ દ્વારા મિલેનિયમ માર્કેટના બંને દુકાનોના માલિકો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
એક સપ્તાહમાં બાળ મજૂરોને છોડાવવા માટેનો બીજા દરોડો સફળ રહ્ના હતો. હજી પણ ઘણી માર્કેટોમાં બાળકો પાસેથી મજૂરી કરાવવામાં આવે છે. આગામી દિવસોમાં વધુ દરોડા પડે તેવી શક્યતા છે.