નવી દિલ્હી, તા. ૧
બેનામી સંપત્તિ પર સકંજો વધુ મજબૂત કરવા માટે નાણામંત્રાલયે એક કરોડ રૂપિયાના ઇનામી યોજનાની જાહેરાત કરી છે. આ ઇનામી યોજના હેઠળ બેનામી સંપત્તિ અંગે માહિતી આપવાની સ્થિતિમાં એક કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. ટેક્સ ચોરી દર્શાવવા ૫૦ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. યોજાના હેઠળ જો કોઇ વ્યક્તિ બેનામી પ્રાહિબિશન યુનિટમાં જોઇન્ટ અથવા તો એડિશનલ કમિશનરની સમક્ષ કોઇ એવી સંપત્તિની માહિતી આપે છે તો તેને ઇનામ આપવામાં આવશે. નાણામંત્રાલયના આદેશ મુજબ આવી સંપત્તિની માલિકી ઇન્કમટેક્સ વિભાગના ઇન્વેસ્ટીગેશન ડિરેક્ટોરેટને આપવી પડશે. આવા કરવા પર સંબંધિત વ્યક્તિની વિભાગ તરફથી એક કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. બેનામી ટ્રાન્ઝિક્શન ઇન્ફર્મેટ્‌સ રિવોર્ડ સ્કીમ ૨૦૧૮ હેઠળ આ રકમ માહિતી આપનારને આપવામાં આવશે. તાજેતરમાં જ સરકારે ૧૯૮૮માં બેનામી એક્ટમાં સુધારા કરીને બેનામી ટ્રાન્ઝિક્શન એક્ટ ૨૦૧૬ પસાર કરીને તેની સ્થિતિને વધુ મજબૂત કરી લીધી છે. હવે બેનામી સંપત્તિની શોધમાં લોકોને સહકારને વધારવા માટે આ ઇનામી સ્કીમ શરૂ કરાઈ છે. બેનામી લેવડદેવડ અને સંપત્તિઓને જાહેરમાં લાવનાર અને આવી સંપત્તિથી મળનાર આવકમાં માહિતી આપનારને ઇનામ આપવામાં આવશે. મંત્રાલયના કહેવા મુજબ આ સ્કીમનો લાભ વિદેશી નાગરિક પણ લઇ શકશે. બેનામી સંપત્તિના સંદર્ભમાં માહિતી આપનાર શખ્સની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. સમગ્ર મામલામાં ગુપ્તતાનું પાલન કરવામાં આવશે. ઇન્કમટેક્સની ઓફિસો અને તેની વેબસાઇટ ઉપર આ સંદર્ભમાં તમામ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી ચુકી છે. આનો પૂર્ણ લાભ ઉઠાવી શકાશે.