અમરેલી, તા.૩૦
અમરેલી પોલીસે ૫ હત્યા કરનાર સિરિયલ કિલરને ઝડપી મોટી સફળતા મેળવી હતી. અમરેલી પોલીસે ઝડપી પાડેલ સિરિયલ કિલરે એક વર્ષમાં ૩ અને અગાઉ ૨ હત્યા મળી કુલ ૫ હત્યા કરી હોવાની કબૂલાત પોલીસને આપેલ હતી. સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે વૃદ્ધાની હત્યા કરવાના બનાવમાં અમરેલી પોલીસે તપાસ હાથ ધરાતા પોલીસના હાથે આ સિરિયલ કિલર પકડાઈ ગયેલ હતો. અમરેલી પોલીસે ભાવનગર અને અમરેલી જિલ્લાના હત્યાના ભેદ ઉકેલી સિરિયલ કિલરને ઝડપી મોટી સફળતા હાસિલ કરેલ હતી.
અમરેલી એસ.પી. કચેરી ખાતે આજે ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમારએ પત્રકાર પરિસદ યોજી વિગતો આપતા જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે ગત તા.૨૪/૯/૧૯ના જાનબાઈ બેન નરશીભાઈ ઘોડાદ્રા (ઉ.વ.૭૦)ની હત્યા સબબ જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય દ્વારા ખાસ ટીમો બનાવી આ હત્યા કરનારને ઝડપી પાડવા સૂચનાઓ આપેલ હોઈ જે અનુસંધાને અમરેલી એસ.ઓ.જી. પોલીસના પીએસઆઇ આર.કે. કરમટા સહીતના સ્ટાફે આ હત્યા કરનાર ઈસમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી અને અમરેલી પોલીસને માત્ર હાડીડા ગામની હત્યા જ નહીં, પરંતુ ભાવનગર જિલ્લાના વણશોધાયેલ ૪ હત્યાનો પણ ભેદ ઉકેલી નાખેલ હતો. અમરેલી એસઓજી પોલીસે હાડીડા ગામની વૃદ્ધ જાનબાઈ બેનના હત્યામાં પકડેલ મિલન ભકાભાઈ રાઠોડ (રાવળદેવ) (ઉ.વ.૩૨, રહે.સેંદરડા બસ સ્ટેશન સામે જોગી શેરી તા.મહુવા જિલ્લો ભાવનગર) વાળાને ઝડપી લીધેલ હતો. આ આરોપીની પૂછપરછમાં એસઓજી પોલીસે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના જુદા-જુદા ગામના ૪ હત્યાનો પણ ભેદ ઉકેલી લાવેલ હતોે. જેમાં આરોપીએ અગાઉ તા.૨૬/૮/૧૮ના રોજ મહુવા તાલુકાના લોયગા ગામે એક વૃદ્ધાને દોરી વડે ગળાટૂંપો આપી હત્યા કરી ૪૫૦૦ લૂંટ કરી હોવાનું પોલીસને જાણવાયું હતું. જ્યારે ૬ માસ અગાઉ મહુવા તાલુકાના દેગવડા ગામના લીલુબેન નામની આધેડ મહિલાની ગળું દબાવી હત્યા કરી લૂંટ કરી હોવાનું પોલીસ સમક્ષ જાણવાયું હતું, તેમજ સેંદરડા ગામે ૪ વર્ષ પહેલાં તેણે ગામના ગોવિંદભાઇ ટપુભાઈ હડિયા પાસેથી વ્યાજે પૈસા લીધેલ હોઈ અને તે પૈસા ભરવા ના પડે તે માટે તેની પણ ખાટલામાં સૂતા હતા. ત્યારે ગળું દબાવી હત્યા કરી નાખેલ હતી.
જ્યારે સત્તર અઢાર વર્ષ પહેલાં આરોપી મિલાન રાઠોડએ તેના પિતાના કુટુંબિક કાકી શાંતુબેન નાનજીભાઈ રાઠોડની સેંદરડા ગામે એકલા હતા. ત્યારે હાથેથી ગળું દબાવી તેમના બ્લાઉઝના ખીસામાંથી ૫થી ૬ હજાર લૂંટી લીધેલ હતા. પોલીસે આરોપી પાસેથી સોના- દાગીના રોકડ મોબાઈલ અને મોટરસાયકલ સહિત કુલ રૂા.૧,૧૨,૨૦૦નો મુદ્દામાલ કબજે લીધેલ હતો. આ કામગીરીમાં એસઓજીના પીએસઆઇ કરમટા તેમજ પ્રકાશભાઈ જોશી, હેતલબેન કોવડિયા રાહુલભાઈ ચાવડા ભસ્કરભાઈ, ગિરિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રાત દિન કામગીરી કરી આ સિરિયલ કિલરને ઝડપી લેવામાં સફળતા મેળવતા નાયબ પોલીસ મહાનિરીક્ષક અજયકુમારે શુભેચ્છા પાઠવી હતી.
સિરિયલ કિલર પકડવામાં હાડીડા ગામના શખ્સના સીસીટીવી બન્યા મદદરૂપ
સાવરકુંડલાના હાડીડા ગામે વૃદ્ધાની હત્યાની તપાસમાં અમરેલી પોલીસને ગામમાં રહેતા વજુભાઇ જીલુભાઈવાળા દ્વારા ઘરની બહાર લગાડવામાં આવેલ સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સિરિયલ કિલર પકડવામાં મદદરૂપ થયેલ હતા. પોલીસ દ્વારા વજુભાઈને ઇનામ આપી સન્માનિત કરશે.
આરોપીની મોડ્સ ઓપરેન્ડી
સિરિયલ કિલર મિલન રાઠોડ કપાસની દલાલીનો ધંધો કરતો હોઈ અને ગામે ગામ ફરી એકલ-દોકલ રહેતા વૃદ્ધ લોકોની રેકી કરી એકલતાનો લાભ લઇ પાણી પીવાના બહાને ઘરમાં જઈ હાથેથી અથવા સુતરની દોરી વડે ગળાટૂંપો દઈ હત્યા કરી નાખતો હતો. બાદમાં ભોગ બનનારે પહેરેલ ઘરેણાંની તેમજ રોકડની લૂંટ કરતો હતો અને લાશને એવી રીતે ગોઠવતો હતો કે, પ્રથમ દ્રષ્ટિએ ખૂન થયાની શંકા ના જાય તેમ લાશને ગોઠવી દેતો હતો.
સિરિયલ કિલર દ્વારા હત્યા કરી લૂંટેલા, ઘરેણાં લેનાર મહુવાના ૨ સોની વેપારીની ધરપકડ
સિરિયલ કિલર દ્વારા હત્યા બાદ લૂંટેલા સોનાં-ચાંદીના ઘરેણાં મહુવાના નટવરલાલ મથુરદાસ જવેલર્સ નામની દુકાને વેચેલ હોઈ જેથી લૂંટેલા દાગીના આરોપી પાસેથી લેનાર દુકાન માલિક પ્રવીણ વિનોદરાય મહેતા (ઉ.વ.૩૯) અને મિહિર નયનભાઈ મહેતા (ઉ.વ.૩૭, રહે.બંને મહુવા)વાળની અમરેલી પોલીસ ધરપકડ કરી હતી.
અમરેલી પોલીસે છેલ્લા ત્રણ મહિનામાં ૧૨ હત્યા, લૂંટ ધાડ, ચોરી સહિતના આરોપીઓને પકડી ગુુનાનો ભેદ ઉકેલ્યા
અમરેલી પોલીસે છેલ્લા ત્રણ મહિનામાં ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ અને અમરેલી જિલ્લામાં હત્યા લૂંટ જેવા ગુનામાં એક દેવીપૂજક ગેંગના ૯ સભ્યોને પકડી પાડી, જે ગેંગ દ્વારા ૭ હત્યા લૂંટ ધાડ ચોરી કરેલ હોવાના ભેદ ઉકેલ હતો.
અમરેલી પોલીસે સિરિયલ કિલરને ઝડપી પાડ્યો : પાંચ હત્યાનો ભેદ ઉકેલાયો

Recent Comments