(એજન્સી) મુંબઇ, તા. ૩
મહારાષ્ટ્રમાં બાળકો ચોરી થવાની અફવાઓ વચ્ચે મનમાડમાં એક મુસ્લિમ યુવકે પોતાનો જીવ જોખમમાં પાંચ હિંદુઓનો જીવ બચાવ્યો છે. આમાં એક મહિલા અને માસૂમ બાળક પણ સામેલ છે. આ ઘટના મનમાડના આઝાદનગર વિસ્તારની છે. અહીં એક મહિલા અને એક બાળક સહિત પાંચ લોકોને બાળકો ચોરવાની ગેંગ સમજીને હજારો લોકોની ભીડે ઘેરી લીધા હતા અને તેમને માર મારવાનું શરૂ કર્યું હતું. ઉગ્ર ટોળું આ તમામને મારી નાખ્યું હોત પરંતુ તે જ સમયે અહીં રહેતો વસીમ નામનો યુવક સામે આવ્યો હતો. વસીમે ઉગ્ર ભીડને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ લોકો બાળકો ચોરવાની ગેંગ નથી. તેમ છતાં ટોળું ન માનતા વસીમે પોતાનો જીવ જોખમમાં મુકી ટોળાના ઘેરાવમાંથી પાંચેય લોકોને બચાવ્યા અને પોતાના ઘરે લઇ ગયો હતો.
ત્યારબાદ લોકોએ વસીમના ઘર પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન માહિતી મળતા પોલીસની એક ટીમ વસીમના ઘરે પહોંચી હતી. પોલીસને જોઇ ટોળા વિખેરાઇ ગયા હતા અને તેઓ પાંચ લોકોને તેમના હવાલે કરવાની માગ કરી રહ્યા હતા. દરમિયાન કેટલાક લોકોએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો અને વાહનની તોડફોડ કરી હતી. પોલીસ અધિક્ષક હર્ષ પોદ્દારે કહ્યું કે, ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું કે વસીમને કારણે જ પાંચ નિર્દોષ લોકોનો જીવ બચી ગયો.