(એજન્સી) શ્રીનગર, તા. ૧૨
જમ્મૂ-કાશ્મીના અનંતનાગમાં આતંકવાદીઓએ સીઆરપીએફની ટીમ પર મોટો હુમલો કર્યો છે. અનંતનાગમાં બસ સ્ટેન્ડ પાસે કરેલા હુમલામા પાંચ જવાન શહીદ થયા હતા, ઘાયલ થયેલા કુલ આઠમાંથી ત્રણ પોલીસ કર્મી શહીદ થયા હતા. આ અથડામણમાં એક આતંકીને પણ મોતને ઘાટ ઉતારાયો છે. અહેવાલો અનુસાર, અનંતનાગમાં બાઇક સવાર ૨ આંતકી આવ્યા અને સીઆરપીએફ અને પોલીસ બળના જવાનો પર ફાયરિંગ શરૂ કર્યુ, જેમાં સીઆરપીએફના જવાન ઘાયલ થયા. આ સાથે જ રાજ્ય પોલીસ દળના એક એસએચઓ પણ ઘાયલ થયો હતા. ફાયરિંગમાં આંતકવાદી માર્યો ગયો, તો બીજા આંતકવાદીની શોધખોળ થઇ રહી છે. હુમલામાં જમ્મુ-કાશ્મીર પોલીસના એક ઇન્સપેક્ટર પણ ઘાયલ થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, બાઇકસવાર બે આતંકવાદીઓએ સીપી રોડ પર સીઆરપીએફના કાફલા પર આડેધડ ફાયરિંગ શરૂ કર્યું હતું અને બાદમાં ગ્રેનેડ ફેંક્યું હતુું. ઘણીવાર સુધી અથડામણ ચાલી હતી. સુરક્ષા દળોએ અથડામણમાં એક આતંકવાદીને પણ ઠાર કર્યો હતો. અનંતનાગ પોલીસ સ્ટેશનના એસએચઓ અરશદ અહેમદ પણ હુમલામાં ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે શ્રીનગરમાં શીફ્ટ કરાયા છે. અહેવાલો અનુસાર અલ ઉમર મુજાહિદ્દીન નામના આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે. આ આતંકવાદી સંગઠને કહ્યું છે કે મુસ્તાક ઝરગર તેના સંગઠનનો મુખ્યો છે. એવું કહેવમાં આવે છે કે, બાલાકોટ એર સ્ટ્રાઇક દરમિયાન પણ તે નિશાના પર હતો. ઉલ્લેખનીય છે કે મુસ્તાક ઝરગર એજ વ્યક્તિ છે જેને ૧૯૯૯માં વિમાન આઇસી-૮૧૪ના અપહરણ કરાયેલા યાત્રીઓે છોડાવવાને બદલે ભારત સરકારે તેને છોડી મુક્યો હતો, આ સાથે જ મસૂદ અઝહર અને શેખઉમરને પણ છોડવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર હુમલામાં એક સ્થાનિક છોકરીને પણ ગોળી વાગી છે. જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે કાયમ સીઆરપીએફ અને પોલીસની પેટ્રોલિંગ ચાલુ રહે છે. અનંતનાગમાં હાલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.