(એજન્સી) શ્રીનગર, તા.૧
ઉત્તરપ્રદેશના આગ્રા જિલ્લાના યુનિટ ‘હિંદુ હી આગે’ સંગઠનના પ્રમુખે સુપ્રસિદ્ધ અભિનેતા સલમાન ખાનની મારપીટ કરવા બદલ પાંચ લાખ રૂપિયા અને ફિલ્મ ‘લવરાત્રી’નો સેટ તોડી પાડવા બે લાખ રૂપિયાના ઈનામની ઘોષણા કરી છે. અહેવાલ મુજબ સલમાનખાનના પ્રોડકશનમાં બનેલ ફિલ્મ ‘લવરાત્રી’ના નામ સામે વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ દર્શાવ્યો છે. પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવિણ તોગડિયાના વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલ ગોવિંદ પરાશરે આરોપ મૂક્યો છે કે, અભિનેતા સલમાનખાનના પ્રોડકશન હેઠળ બનેલ ‘લવરાત્રી’ ફિલ્મના નામથી હિન્દુ સમુદાયની લાગણીઓને નુકસાન પહોંચાડ્યું છે. જે નવરાત્રીના સમયમાં પ્રદર્શિત થશે. પરાશરે ઘોષણા કરી છે કે જે કોઈ સલમાનખાનની મારપીટ કરશે તેને પાંચ લાખ રૂપિયા અને ફિલ્મનો સેટ તોડી નાંખનાર બે લાખ રૂપિયા ઈનામ આપવામાં આવશે. તેમણે લવરાત્રી ફિલ્મને પ્રદર્શિત કરનારા સિનેમાગૃહોને પણ તોડી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. હિન્દુ સંગઠનનું કહેવું છે કે ફિલ્મ નવરાત્રીના બેકડ્રોપ પર આધારિત છે જે એક હિન્દુ તહેવાર છે અને આ ફિલ્મનું નવરાત્રીનો અર્થ બગાડે છે. ફિલ્મની વાર્તા ગુજરાતની પાશ્ચાદ ભૂમિકામાં છે અને પમી ઓક્ટોબરે પ્રદર્શિત કરવાની તૈયારી છે. ફિલ્મ પ્રદર્શિત કરવાની તારીખ નવરાત્રીના સમયની છે.