ભાવનગર, તા.૧પ
ભાવનગર શહેરના નિલમબાગ સર્કલ નજીક ગત રાત્રિના સમયે બાઈક પર જઈ રહેલા આંગડિયા પેઢીના પુત્ર ઉપર બે અજાણ્યા શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરી તેની પાસે રહેલા રૂા.પાંચ લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી છુટવાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. બનાવની જાણ થતાં મસમોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને પડખાના ભાગે ગોળી વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયેલ હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ શહેરના ચિત્રા-ગણેશનગર-રમાં રહેતા અને આર.કે. એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતા રામદેવસિંહ ચુડાસમાના પુત્ર હરદિપસિંહ (ઉ.વ.ર૩) આજે રાત્રિના સમયે તેની ગાયત્રી મંદિરના પાસે બાપા સીતારામ કોમ્પલેક્ષમાં આવેલી આર. કે. એન્ટરપ્રાઈઝમાંથી પોતાની વોરાબજાર ખાતે આવેલી આંગડીયા પેઢીમાં રૂા. પાંચ લાખની રોકડ આપવા જતા હતા તે સમયે રાત્રિના આઠેક વાગ્યાના સુમારે નિલમબાગ નજીક પહોંચતા સીએનઆઈ ચર્ચના દરવાજા પાસે પાછળથી સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને આવેલા અજાણ્યા બે શખ્સોએ પોતાની પાસે રહેલી બંદૂકમાંથી ફાયરિંગ કરતા હરદિપસિંહને પડખામાં ગોળી વાગતા તે રસ્તા પર પડી ગયેલ તે દરમ્યાન મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સો રોકડ રકમ ભરેલો રૂા. પાંચ લાખના થેલાની લૂંટ ચલાવી નાસી છુટયા હતા. આ બનાવની જાણ થતાં તુરંત જ એ-ડિવિઝન પોલીસ કાફલો તેમજ એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડાયેલ. જ્યારે હોસ્પિટલ ખાતે પણ એસ.પી. સહિત દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તની પૂછપરછ કરી હતી.
નિલમબાગ ચોકમાં ફાયરિંગ અને લૂંટની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે પોલીસે તુરંત જ શહેરમાં નાકાબંધી કરવા ઉપરાંત નાસી છૂટેલા લૂંટારૂઓની ભાળ મેળવવા કવાયત હાથ ધરી છે અને શહેરમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે.