(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૮
જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર રહેતાં કિશોરભાઈ રાઘવભાઈ લાડાણી (ઉ.વ.પ૮)ને વીમો ઉતરાવવાની લાલચ આપીને ત્યારબાદ અજાણ્યા સ્થળે લઈ જઈ અને આરોપીઓએ ધાક-ધમકી આપી તેમજ બળાત્કારનાં ગુનામાં ફીટ કરી દેવાની ધમકી બાદ રૂપિયા પડાવવાનો કારસો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ચકચાર જાગી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઓમનગર ફોર્ચુન એલીગંટ બ્લોક નં.૪૦૪માં રહેતાં કિશોરભાઈ રાઘવભાઈ લાડાણી (ઉ.વ.પ૮)એ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે તા.૧/પ/ર૦૧૮થી તા.ર/પ/ર૦૧૮ દરમ્યાન વંથલીનાં બાલોટ ગામનાં રામભાઈ અરજણભાઈ મકવાણા તથા ત્રણ અજાણ્યા માણસ એક અજાણી સ્ત્રી તેમજ દિલીપભાઈ મેણંદભાઈ મકવાણા વગેરે સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે આ કામનાં આરોપી રામભાઈએ ફરિયાદીને વીમો ઉતરાવવા અંગેની લાલચ આપી અને આરોપી દિલીપભાઈએ ફરિયાદીને ફોન કરી બોલાવી એક અજાણી વાડીએ લઈ જઈ ત્યાં આરોપીઓ હાજર હોય અને આ દરમ્યાન અજાણી સ્ત્રીએ ફરિયાદી સાથે ધરાર સંબંધ બાંધવા જણાવી અને અન્ય આરોપીઓએ લાકડી વતી માર મારી તેમજ અજાણ્યા શખ્સે રિવોલ્વોર જેવું હથિયાર બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમજ બળાત્કારનાં ગુનામાં ફીટ કરાવી દઈશ તેમ ધમકી પણ આપેલ અને પૂર્વયોજીત કાવતરૂં રચી રૂા.પ લાખ બળજબરીથી પડાવી લેવાની કોશિશ કરી રૂા.૩ લાખનો ચેક ફરિયાદી પાસેથી લખાવી લઈ એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા અંગે ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે અને આ બનાવની વધુ તપાસ વંથલીનાં પીએસઆઈ ડી.એસ.જાડેજા ચલાવી રહ્યાં છે.