(એજન્સી) નવી દિલ્હી, તા.રર
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચે મુસ્લિમો પ્રચલિત ટ્રિપલ તલાક પ્રથાને રદ કરી ગેરકાયદેસર ઠરાવી છે. અમુક મહિલાઓ ફોન ઉપર, પત્ર દ્વારા અથવા અન્ય સ્વરૂપે ત્રણ વખત ઉચ્ચારેલ તલાકની પ્રથાને રદ કરાવવા સુપ્રીમકોર્ટમાં અરજીઓ દાખલ કરી હતી જે મહિલાઓ આ હતી.
સાયરાબાનો : ૩૬ વર્ષીય સાયરાબાનોને ઓક્ટોબર ર૦૧પમાં એના પતિએ ટ્રિપલ તલાક દ્વારા છૂટાછેડા આપ્યા હતા. સાયરાબાનો એ એક વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં તલાક રદ કરાવવા અરજી દાખલ કરી હતી. એમનો પતિ રિઝવાન અહમદ મિલકતોના વ્યવસાય સાથે જોડાયેલ છે. એમણે કોર્ટ સમક્ષ માગણી કરી કે આ પ્રકારની તલાકની પ્રથા જે તલાક-એ-બિદ્‌અત તરીકે ઓળખાય છે એને રદ કરવું જોઈએ. કારણ કે એમાં ઈદ્દતનો સમયગાળો પણ નથી હોતો અને એને રદ પણ નથી કરી શકાતી. એ સાથે એમણે બહુપત્નીત્વ અને નિકાહ હલાલા પણ રદ કરવું માગણી કરી હતી. એમણે રજૂઆત કરી હતી કે આ પ્રકારની પ્રથા ગેરબંધારણીય છે. બાનોના પતિએ અરજીનો વિરોધ કરી જણાવ્યું કે અમને મુસ્લિમ પર્સનલ લોની જોગવાઈઓ લાગુ પડે છે જેથી આ પ્રથા માન્ય છે. બાનોએ આક્ષેપો મૂક્યા હતા કે એના સાસરિયાઓએ બળજબરીથી એનું ૬ વખત ગર્ભપાત કરાવ્યું હતું. એની અરજીના સમર્થનમાં મોદી સરકારે સોગંદનામું દાખલ કર્યું હતું.
ઈશરત જહાં : પ.બંગાળના હાવડાની નિવાસી છે જેને એના પતિએ દુબઈથી ફોન ઉપર ત્રણ વખત તલાક ઉચ્ચારી છૂટાછેડા આપ્યા હતા. એમણે પતિ સામે આક્ષેપો કર્યા કે એમણે બીજી મહિલા સાથે લગ્ન કર્યા છે અને એમના ચાર બાળકોને પણ પોતાની સાથે લઈ ગયો છે. જહાંએ તલાક રદ કરાવવા અને બાળકો પાછા મેળવી એમના ભરણપોષણની માગણી કરી હતી.
ગુલશન પરવીન : ગુલશન પરવીન ઉત્તરપ્રદેશના રામપુરમાં રહે છે. એમને એના પતિએ ૧૦ રૂપિયાના સ્ટેમ્પ પેપેર ઉપર તલાકનામું લખી તલાક આપ્યું હતું. ર૦૧પમાં એ પોતાના માતા-પિત પાસે ગઈ હતી ત્યારે આ તલાકનામું પતિએ મોકલ્યું હતંુ. પરવીને તલાકનામાનો અસ્વીકાર કરી પતિ સામે કોર્ટમાં કેસ દાખલ કર્યું. પરવીને પતિ સામે દહેજ અને ઘરેલું હિંસાના આક્ષેપો પણ મૂક્યા હતા.
આફરીન રહેમાન : આફરીને ર૦૧૪માં લગ્નની વેબસાઈટ દ્વારા લગ્ન કર્યા હતા. પણ ફક્ત બે-ત્રણ મહિના પછી એના સાસરિયાઓએ એને ત્રાસ આપવાની શરૂઆત કરી હતી. એમણે પતિ ઉપર માર મારવાના પણ આક્ષેપો કર્યા હતા. છેલ્લે ર૦૧પના વર્ષના સપ્ટેમ્બર મહિનામાં એને ઘરથી બહાર નીકળી જવા કહ્યું હતું. એને પત્ર દ્વારા તલાક અપાયો હતો જેનો વિરોધ કરી એમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
અતિયા સાબરી : અતિયા સાબરીના લગ્ન ર૦૧રમાં થયા હતા અને તલાક પણ એક કાગળ ઉપર લખીને અપાયું હતું. એમણે પણ તલાકને પડકાર્યું હતું. એમને ત્રણ અને ચાર વર્ષની બે દીકરીઓ છે.
ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન : આ સંસ્થાએ મુસ્લિમ મહિલાઓને સમાનતાના અધિકારો આપો એ મથાળા હેઠળ સુપ્રીમ કોર્ટમાં ટ્રિપલ તલાક રદ કરાવવા અરજી દાખલ કરી હતી. સંસ્થાની અધ્યક્ષા ઝાકિયા સોમને કહ્યું કે અમોએ કોર્ટ સમક્ષ કુર્આનમાં જણાવેલ તલાકની પ્રથાઓનો ઉલ્લેખ કર્યું હતું. જેમાં ૯૦ દિવસની ઈદ્દતની જોગવાઈ છે. ટ્રિપલ તલાક પ્રથા ગેરબંધારણીય છે અને ધર્મ વિરૂદ્ધ પણ છે.
સુપ્રીમ કોર્ટે બધી અરજીઓને સાથે જોડી સુનાવણી કરી હતી અને આજે ચુકાદો આપી ટ્રિપલ તલાક રદ કર્યું હતું.