(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.ર૭
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના જૂના રતનપર ગામના દેવીપૂજક સમાજના ૧૦ જેટલી વ્યક્તિઓ કેરી નદીના ખાડામાં ન્હાવા પડતા તમામ ઊંડા પાણીમાં ડૂબી જવા લાગતા દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતા લોકો એકઠા થઈ ગયા હતા અને પાંચ વ્યક્તિઓને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધા હતા. જ્યારે ત્રણ પુરૂષ, બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓના ઊંઠા પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. આ બનાવથી આ વિસ્તારમાં ભારે શોક અને અરેરાટી પ્રસરી જવા પામી હતી.
આ ગમખ્વાર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ વલ્લભીપુર તાલુકાના જૂના રતનપર ગામે રહેતા દેવીપૂજક સમાજના ખેતમજૂરો બપોરના ભોજન લીધા બાદ ચાડા ગામેથી પસાર થતી કેરી નદીના ખાડામાં ભરાયેલ વરસાદી પાણીમાં ન્હાવા પડતા કુલ ૧૦ વ્યક્તિ ડૂબી જવા લાગતા સ્થાનિક તરવૈયાઓએ પાંચ વ્યક્તિને બચાવી લીધા હતા. જ્યારે ત્રણ પુરૂષ બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. પાંચ પૈકી એક મહિલા જીવીત જણાતા વલ્લભીપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન તેનું પણ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતા વલ્લભીપુર પોલીસ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ૧૦૮ એમ્બ્યુલન્સ સહિતોન કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.
આ ઘટનામાં મરણજનારમાં (૧) ગીરધરભાઈ લીંબાભાઈ સોલંકી (ઉ.વ.પપ), (ર) ગોપાલભાઈ ગીધાભાઈ સોલંકી (ઉ.વ.૧૭), (૩) નીસાબેન મેહુલભાઈ સોલંક (ઉ.વ.૧૩), (૪) મહેશભાઈ મેહુલભાઈ સોલંકી (ઉ.વ.૧૭) (પ) ભાવનાબેન ગીરધરભાઈ સોલંકી (ઉ.વ.૧૭ તમામ રહે. જૂનારતનપર)ના અને એક જ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.