(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.રપ
રાજયના આઈએએસ અધિકારીના દિલ્હીની યુવતી સાથેના કથિત લગ્નેતર સંબંધનો ઈશ્યુ બહુ ગાજયો છે અને તેમની સામે યુવતીએ છેતરપિંડી, વિશ્વાસઘાત તથા ધમકી અંગેની ફરિયાદ પણ કરી છે. ત્યારે આ સમગ્ર પ્રકરણની તપાસ માટે મુખ્યમંત્રી રૂપાણીએ આઈએએસ અધિકારીઓ સહિત પાંચ સભ્યોની તપાસ સમિતિ નિમવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીની યુવતીએ રાજયના આઈએએસ અધિકારી ગૌરવ દહિયા વિરૂદ્ધ લગ્ન બાબતમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યા બાબતે દિલ્હીમાં પોલીસ ફરિયાદ નોધાવતા રાજયના અધિકારી વર્ગમાં ચર્ચાઓ શરૂ થઈ જવા સાથે આ પ્રકરણ રાજયમાં બહુ ગાજી રહ્યો છે. જો કે ગત રોજ આ અંગે ગૌરવ દહિયાએ પણ દિલ્હીની યુવતી વિરૂદ્ધ પોલીસને ફરિયાદની અરજી આપી હતી અને તેમાં તેણીની સામે બ્લેકમેલીંગ કરવાના આક્ષેપો કર્યા છે. દરમ્યાન આ સમગ્ર ચર્ચિત પ્રકરણને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરિયાદ મુદ્દે તલસ્પર્શી તપાસ માટે ત્રણ આઈએએસ અધિકારીઓ સહિત કુલ પાંચ સભ્યોની તપાસ સમિતિ નિમવાનો નિર્ણય કર્યો છે. આ સાથે આ તપાસ સમિતિને પોતાનો અહેવાલ સત્વરે રજુ કરવા પણ સુચનાઓ આપવામાં આવી છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર જે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તેમાં અધ્યક્ષ પદે અગ્ર સચિવ સુનયના તોમર રહેશે. તપાસ સમિતિના અન્ય સભ્યોમાં મમતા વર્મા અને સોનલ મિશ્રા તથા બિનસરકારી સભ્ય તરીકે નિવૃત્ત સંયુકત સચિવ્‌ દેવીબહેન પંડયા અને સભ્ય સચિવ તરીકે નાયબ સંયુકત કે અધિક સચિવ કક્ષાના અધિકારી રહેશે.
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, ગૌરવ દહિયા નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર તરીકે ફરજરત હતા તે દરમ્યાન તેમની સામે આક્ષેપો થતા રાજય સરકારે તાત્કાલિક અસરથી તા.રર જુલાઈએ તેમની બદલીકરીને સંયુકત સચિવ (આયોજન) સામાન્ય વહીવટ વિભાગમાં મુકેલા છે.