હિંમતનગર, તા.૧૬
હિંમતનગર-અમદાવાદ રોડ પર આવેલ હાજીપુર ગામની સીમના એક ગેસ્ટહાઉસમાંથી શુક્રવારે રાત્રે અજમાયશી પોલીસ અધિક્ષકે ડમી ગ્રાહક મોકલીને કુટણખાનાનો પર્દાફાશ કરી દેહ વેપારની થયેલી આવક પેટે રૂા.ર૯,ર૦૦ અને કેટલીક ચીજ વસ્તુઓ કબજે લઈ હોટલના માલિક એવા પિતા-પુત્ર અને ત્રણ ગ્રાહકો વિરૂદ્ધ શનિવારે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
હિંમતનગર-અમદાવાદ રોડ પર સાબરડેરી નજીક આવેલા હાજીપુરની સીમમાં ચાલતા તૃષ્ણા ગેસ્ટહાઉસમાં કુટણખાનું ચાલે છે તેવી બાતમી મળ્યા બાદ આ ગેસ્ટહાઉસમાં શુક્રવારે રાત્રે એક ડમી ગ્રાહકને મોકલવામાં આવ્યા હતા. જ્યાં બાતમીમાં મળેલી હકીકતોમાં વજુદ હોવાનું જણાયું હતું. જેથી પોલીસે તરત જ તૃષ્ણા ગેસ્ટહાઉસમાં છાપો મારીને ગ્રાહકો સાથે અનૈતિક કામ કરાવતી એક પુરૂષને ગેસ્ટહાઉસના રૂમ નં.ર૦૩ માંથી કઢંગી હાલતમાં ઝડપી લીધા હતા.
ત્યારબાદ પોલીસે ગેસ્ટહાઉસના રૂમો તથા રીસેપ્શન રૂમની આજુબાનુ તપાસ કરતા ગેસ્ટ હાઉસના માલિક એવા પિતા-પુત્ર અને અન્ય બે ગ્રાહકો બેઠા હતા. તેમની પુછપરછ કરાયા બાદ ગેસ્ટહાઉસમાં ચાલતા કુટણ ખાનાનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ પોલીસે ગેસ્ટહાઉસના માલિક એવા પિતા-પુત્ર અને અન્ય ત્રણ ગ્રાહકોની અટકાયત કરી તેમની પાસેથી અંદાજે રૂા.ર૯,ર૦૦ કબજે લીધા હતા. પોલીસે ગણપત શ્યામલાલ ખટીક (ગેસ્ટ હાઉસ માલિક), શ્યામલાલ ચતુરજી ખટિક (ગેસ્ટ હાઉસ માલિક) (બંને રહે.રાજમંદિર સોસાયટી, સહકારીજીન રોડ, હિંમતનગર), ઉમાભાઈ મકનારામ રબારી, વારીસ મહેબુબ મિયાં કાદરી (મેમણ કોલોની, હિંમતનગર) વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે.