(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૭
નાગરીકતા સુધારા કાયદાનાં વિરોધમાં પૂર્વોત્તર રાજ્યો અને દિલ્હીમાં લોકો સડકો પર ઉતરી આવ્યા છે. આ કાયદાનાં વિરોધમાં પોલીસ કમિશ્નરની દિવાલ સહિત ચાર સ્થળોએ નો-કેબ તથા મોદીનું લખાણ લખનાર ફાઇન આર્ટસનાં પાંચ વિદ્યાર્થીઓને ક્રાઇમ બ્રાંચ પોલીસે ધરપકડ કરી છે. જ્યારે બે વિદ્યાર્થીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. નાગરીક સુધારા કાયદાનો વિરોધ કરનાર પાંચ વિદ્યાર્થીઓની ધરપકડ કરતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ જવા પામી છે. લોકશાહી દેશ હોવા છતાં હાલમાં સરકાર સરમુખત્યારની જેમ વર્તી રહી છે. વિરોધ કરનારાઓને પોલીસ દ્વારા કચડી દેવામાં આવી રહ્યાં છે.
નાગરીકતા સુધારા કાયદાનાં વિરોધમાં સોમવારનાં રોજ કોઇ અજાણ્યા વ્યકિતએ પોલીસ કમિશ્નર કચેરીની દિવાલ સહિત પાંચ સ્થળોએ નો-કેબ મોદીનું લખાણ લખ્યું હતું. આ લખાણમાં હિટલરનાં નિશાન સ્વસ્તિકનું પણ ચિન્હ દોર્યું હતું. આમ, નાગરીકતા કાયદાના પ્રત્યાઘાત વડોદરામાં પણ પડયા હતા. આ કાયદાનો વિરોધ વધુ ન વકરે તે માટે પોલીસે આ લખાણ લખનારાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં વડોદરાની એમ.એસ.યુનિ.ની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરતાં પુલકિત સંજીવભાઇ ગાંધી (રહે. ગુડગાવ), રજત ધિરેન્દ્ર વ્યાસ (રહે. ઇન્દૌર, મધ્યપ્રદેશ), રૂચિર પ્રેમ નાયર (રહે. પુના), આર્યન અનંત શર્મા (રહે. ઇન્દૌર), આયઝીન જોન્સન (રહે. કેરાલા), રેનીલ (રહે. સમા, વડોદરા) અને ઋષિ નાયર (રહે. ફતેગંજ, વડોદરા) આ વિદ્યાર્થીઓએ રાત્રીનાં સમયે બાઇક ઉપર ફરીને પાંચ સ્થળોએ કાયદાનો વિરોધ કરવા નો-કેબ તથા મોદીનું લખાણ લખ્યું હોવાનું સીસીટીવી કુટેજમાં જોવા મળ્યું હતું. જેને પગલે પોલીસે આજે આ પાંચ વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. જ્યારે રેનીલ તથા ઋષિ નાયરને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ત્રણ મોટરસાઇકલ તથા પાંચ મોબાઇલ ફોન કબ્જે કર્યા હતા.
નાગરીક કાયદાના વિરોધમાં વિદ્યાર્થીઓ દિવાલ ઉપર લખાણ કરતાં આ વિદ્યાર્થીઓ કોઇ મોટો ગુન્હો કર્યો હોય તેમ સરકારનાં દબાણમાં આવી પોલીસે વિદ્યાર્થીઓને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડયા હતા. શહેરનાં અનેક સોશ્યલ ગ્રૃપમાં ધર્મ વિરોધી અને કોમ-કોમ વચ્ચે ઉશ્કેરાટ ફેલાય તેવા મેસેજોની આપ-લે કરવામાં આવે છે. તેમ છતાં પોલીસ દ્વારા આવા મેસેજ મોકલનારાઓ સામે કોઇ કાયદાકીય પગલા લેવામાં આવતા નથી.
લોકશાહી દેશમાં શાંત રીતે વિરોધ કરવો દરેક નાગરીકને બંધારણમાં હક્ક આપવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓએ પણ કોઇને હાની ના થાય તે રીતે ફકત દિવાલ ઉપર નો-કેબ અને મોદીનું લખાણ લખ્યું હતું. તેમ છતાં પોલીસે શહેરની સુલેહ શાંતિનો ભંગ થાય, કોઇ ધર્મની લાગણી દુર્ભાય તેવો ગુનો તેમજ કોઇ એક કોમની વિરોધમાં તોફાન થાય તેથી ઇરાદાપૂર્વક તથા ગભરાટ પ્રેરે તેવું અપમાનજનક લખાણ લખેલ અને સરકારી કર્મચારીને મિલ્કતને નુકસાન કર્યું હોવાનો ગુનો કર્યો હોવાનો પોલીસ જણાવી રહી છે. નાગરીક કાયદાનો વિરોધ કરનાર વિદ્યાર્થીઓની ધરપકડ કરવાનાં વિરોધમાં યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફેલાઇ જવા પામી છે. પોલીસ સરકારનાં દબાણ હેઠળ કામ કરી રહી છે તેમ જણાવ્યું હતું.
વડોદરામાં જાહેર સ્થળોએ દિવાલ પર કેબ વિરોધી લખાણ લખનાર ફાઈન આર્ટસના પાંચ વિદ્યાર્થીઓની ધરપક્ડ

Recent Comments