(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૦
મિત્રતા કેળવી યુવતી સાથે વારંવાર શરીર સુખ માણનારે પોતાના અન્ય ચાર મિત્રો સાથે યુવતીને શરીર સુખ માણવા ધાક-ધમકી આપી વારંવાર શરીર સંબંધ બાંધી ગુનો આચર્યો હોવાનો બનાવ પુણા પોલીસ મથકે નોંધાયો હતો.પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાંચેક વર્ષ પહેલા આરોપી શૈલેષગીરી સરદારગીરી ગોસ્વામી (ભૈયાનગર પુણાગામ) સાથે ફરિયાદી પીડિતાની ઓળખ થઈ હતી. આરોપી ફરિયાદીના ઘરે જઈ ધાક-ધમકી આપી શરીર સુખ માણતો હતો. ત્યારબાદ આરોપી શૈલેષગીરીએ પોતાના મિત્રો બલવંતગીરી સરદારગીરી, અજીરામ રબારી, ગણેશરામ રબારી, માલારામ માળી સાથે શરીર સંબંધથી બંધાયેલી પીડિતાને બદનામ કરવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ આ પાંચેય મિત્રોની સામે પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પીડિત યુવતી સાથે પાંચ યુવકો દ્વારા વારંવાર બળાત્કાર કરાયો હોવાની ફરિયાદ સાંભળી પોલીસ પણ ચોંકી ઊઠી હતી અને ફરિયાદી યુવતીએ જણાવેલી ફરિયાદ નોંધી પાંચેય આરોપીઓને તાકીદે ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યાં હોવાનું જાણવા મળે છે.