(એજન્સી ) કાબુલ,તા.૨૦
તાલિબાની આતંકવાદીઓ દ્વારા બુધવારે કરાયેલા એક હુમલામાં ૫૦ અફઘાનિસ્તાની સૈનિકોના મોત નિપજ્યાં હતાં. હુમલાની સાથે જ તાલિબાનીઓએ બદગીસમાં એક મિલિટ્રી બેસ પર પણ કબજો કરી લીધો હતો. ઇદ નિમિત્તે તાલિબાને ત્રણ દિવસનું સીઝફાયર જાહેર કર્યું હતું. જેની સમયમર્યાદા બુધવારે સમાપ્ત થઈ હતી. સીઝફાયર પૂરા થયાની સાથે જ તાલિબાની આતંકીઓએ ફરી એકવાર આક્રમક હુમલો કર્યો હતો. મંગળવારે અફઘાનિસ્તાનના ઉત્તરી કુંદૂજ વિસ્તારમાં તાલિબાની આતંકીઓ દ્વારા સેના અને સ્થાનિક પોલીસ સ્ટેશન પર હુમલો કરી ચાર પોલીસ કર્મીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ હુમલામાં સાત લોકોના મોત નિપજ્યાં હતા તેમજ પાંચ અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. પ્રોવેંસિયલ ગવર્નર અબ્દુલ કફૂરે જણાવ્યું હતું કે,તાલિબાને તેમના બે સુરક્ષા પોસ્ટ પર હુમલો કર્યો હતો. અચાનક કેટલાક તાલીબાની લડાકુઓ પોસ્ટ પર આવી પહોંચ્યા હતા અને ફાયરિંગ શરૂ કરી દીધો હતો. જેમાં ૩૦ અફઘાની સૈનિકોના મોત નિપજ્યાં હતાં જોકે, અત્યાર સુધી આ હુમલા પર તાલિબાન તરફથી કોઇપણ નિવેદન આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, ઈદ પર અફઘાની સેનાએ પણ સીઝફાયર જાહેર કર્યું હતું, જેની વ્યાપક ટીકા થઈ હતી. સેનાએ પોતાના આ સીઝફાયરમાં ૧૦ દિવસનો વધારો કર્યો હતો.