(એજન્સી) ચંદીગઢ, તા.૧૪
પંજાબ સરકારને મોટો આંચકો આપતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ સરકારને પ૦ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એનજીટીએ સરકારને આ દંડ સતલુજ અને બ્યાસ નદીમાં ગંદકી ફેલાવવા માટે ફટકાર્યો છે. એનજીટીએ આ દંડ ભરવા માટે સરકારને એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. એનજીટીએ સતલુજ અને બ્યાસ નદીમાં ફેલાવવામાં આવી રહેલી ગંદકી મુદ્દે એક સમિતિની રચના કરી હતી. સમિતિના અહેવાલમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગંદકી ફેલાવવા બદલ પંજાબ સરકારને દોષિત જાહેર કરી છે અને તેને પ૦ કરોડનો દંડ ફટકાર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, થોડા દિવસો અગાઉ પંજાબના ગુરદાસપુર જિલ્લાની એક શુગર ફેક્ટરીએ બ્યાસ નદીમાં લાખો ટન કેમિકલ વહાવી દીધું હતું. જેનાથી રાજસ્થાનની નહેરોમાં ઝેર ફેલાવાનું જોખમ પેદા થઈ ગયું હતું. એનજીટીએ સરકારને આ દંડ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે.