(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧૧
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકોની વિલંબિત બેદરકારીને લીધે ઈલેકટ્રીક બસોની ખરીદીમાં મળનારી પ૦ કરોડ રૂપિયાની સબસિડી ગુમાવવાનો વારો આવ્યો હતો. કેન્દ્રમાં અને ગુજરાતમાં ભાજપની સત્તા હોવા છતાં મ્યુનિ. કોર્પોરેશનને ફાયદો થવાના બદલે નુકસાન થઈ રહ્યું છે. મ્યુનિ. વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માના જણાવ્યા અનુસાર અઢી મહિના પહેલાં બીઆરટીએસ જનમાર્ગ લિ. કંપનીની બોર્ડની બેઠક મળી હતી. જેમાં કોન્ટ્રાકટર દ્વારા પ૦ ઈલેકટ્રીક બસો ખરીદી અને ઓપરેશનમાં મુકવાના એલઓઆઈ ઈસ્યુ કરવાના કામની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર ઈલેકટ્રીક બસની ખરીદી ઉપર સબસિડી આપી રહી છે. જેમાં એક બસની કિંમત રૂા.૧.૪૪ કરોડની છે જેમાં કેન્દ્ર સરકાર એક કરોડની સબસિડી આપી રહી છે પણ સબસિડીનો લાભ લેવા માટે દરખાસ્ત કરવાની છેલ્લી તાીરખ ર૮-ર-ર૦૧૮ હતી. જો કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના શાસકોએ પ૦ ઈલેકટ્રીક બસો ઓપરેશનમાં મુકવાનું ટેન્ડર તૈયાર કરવામાં પોલંપોલ ચલાવી હતી. એટલે નિયત સમયમર્યાદામાં ટેન્ડર મંજુર થઈ શકયું ન હતું એટલે હવે કેન્દ્ર સરકાર ઈલેકટ્રીક પ૦ બસોની ખરીદી ઉપર સબસિડી આપવાનું ટાળી દીધું છે. આમ, અમદાવાદ મ્યુનિ.ને રૂા.પ૦ કરોડની સબસિડી ગુમાવવાનો વારો આવ્યો છે. આજે મળેલી જનમાર્ગ લિ.ની બોર્ડની બેઠકમાં વિરોધ પક્ષ તરીકે દિનેશ શર્માએ કેન્દ્ર સરકારની સબસિડી અંગે પ્રશ્ન પૂછતા સત્તાવાર એવો જવાબ મળ્યો હતો કે કેન્દ્ર સરકારે સબસિડી આપવાની કોઈ મંજૂરી આપી નથી. જેથી હવે રાજય સરકારની પરિવહન યોજના પાસેથી સબસિડી લેવામાં આવશે. આથી સ્પષ્ટ થાય છે કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને રૂા.પ૦ કરોડની સબસિડી કેન્દ્ર સરકાર આપશે તે હજુ સુધી નક્કી નથી. અહીં સૌથી અગત્યની વાત એ છે કે કોન્ટ્રાકટર દ્વારા પ૦ ઈલેકટ્રીક બસ ખરીદી અને ઓપરેશનમાં મુકવાના ટેન્ડરમાં જાણી જોઈને એવી શરતો મુકવામાં આવી હતી જેથી સ્પર્ધા થઈ શકે નહીં. બેંગ્લોરમાં ઈલેકટ્રીક બસ ખરીદી અને સંચાલનના કામના ટેન્ડર મંજૂર કરી વર્ક ઓર્ડર આપવામાં આવેલા છે. જેમાં ગોલ્ડ સ્ટોર્ન નામની કંપનીએ પ્રતિ કિ.મી. માત્ર રૂા. રપના ભાવે કામ આપવામાં આવેલુ છે જયારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ૦ ઈલેકટ્રીક બસો ઓપરેશનમાં ઓપરેશનમાં મુકવા પ્રતિ કિ.મી. રૂા.૪૦.૮૦ના ભાવે કામ આપવામાં આવ્યું છે. જેથી બેંગ્લોરની સરખામણીએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને પ્રતિ કિ.મી. રૂા.૧પ.૮૦ વધારે ચુકવવામાં આવશે. આમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક બસ ર૦૦ કિ.મી. દોડાવવામાં આવે છે. આમ પ૦ બસો દૈનિક ૮૦૦૦ કિ.મી. બસો દોડશે જેથી પ્રતિ દિવસ મ્યુનિ.ને રૂા.૧.ર૬ લાખનું નુકસાન થશે જયારે વાર્ષિક રૂા.૪.૬૧ કરોડનું નુકસાન થશે. શરતો મુકવાને લીધે સાત વર્ષમાં અશોક લિલેન્ડ કંપનીને ૩ર.ર૯ કરોડ વધુ ચૂકવવાના થશે. માત્રને માત્ર મળતિયા કંપનીઓને ફાયદો થાય તે પ્રકારે ટેન્ડરો બનાવવાને બદલે તંદુરસ્ત સ્પર્ધા થાય તે પ્રકારે ટેન્ડરની શરતો મુકવી જોઈએ.