(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૪
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યા તો ખરી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હરખપહુડા બનીને ગાંધીઆશ્રમના પાછળના ભાગે રિવરફ્રન્ટ પર લાખો રૂપિયાનો ખર્ચ કરીને નમસ્તે ટ્રમ્પને આવકારતો બગીચો તૈયાર કર્યો હતો, પરંતુ ટ્રમ્પે ત્યાં જવાની તો શું જોવાની પણ તસ્દી ન લેતા ખર્ચો માથે પડયો હતો. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગાંધી આશ્રમની પાછળના ભાગે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ફૂલોની ચાદર ગોઠવી નમસ્તે ટ્રમ્પનો આવકારતો સુંદર નાનકડો બગીચો તૈયાર કર્યો હતો જ્યારે સામે છેડે ૧૨ માળ ઊંચા ટ્રમ્પ અને મોદીના કટ આઉટ મુકાયા હતા. સાથે ગાંધીઆશ્રમના મ્યુઝિયમની પાછળના ભાગે સંખેડાની ત્રણ કલાત્મક ખુરશી અને કલાત્મક ચબૂતરો મુકાયો હતો જ્યાંથી ટ્રમ્પ દંપતી બેસીને સાબરમતી રિવરફ્રન્ટનો નજારો જોશે તેવું અનુમાન હતું, પણ જ્યારે ટ્રમ્પ ગાંધીઆશ્રમ આવ્યા તો તેમણે અહીં જોવામાં જરાય રસ દાખવ્યો નહતો જેથી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને આ તૈયારીઓ પાછળ રૂપિયા ૫૦ લાખથી વધુનો ખર્ચ કર્યો હતો તે માથે પડયો હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. સાબરમતી ગાંધીઆશ્રમમાં પ્રવેશતાની સાથે ડાબી બાજુએ મ્યુઝિયમ આવે છે. આ મ્યુઝિમયને અડીને ખુલ્લા ગાર્ડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમા મૂકવામાં આવી હતી. ટ્રમ્પની ગાંધીઆશ્રમની મુલાકાતના આયોજકોને એવું અનુમાન હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ આવશે તો ગાંધીની પ્રતિમાને આંટી પણ પહેરાવશે તે માટે ખાસ તૈયારીઓ કરાઈ હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ સરળતાથી ત્યાં જઈ શકે તે માટે રેમ્પ ઊભો કરાયો હતો સાથે તેમના માટે અલગથી એક નાનકડો દરવાજો મૂકવામાં આવ્યો હતો પણ અહીં પણ ટ્રમ્પ આવ્યા નહતા. ગાંધીઆશ્રમ પરિસરમાં આવેલા મગન નિવાસની બાજુમાં ખાસ બેઠક વ્યવસ્થા ગોઠવાઈ હતી. જ્યાંથી સાબરમતી રિવરફ્રન્ટનો નજારો બેસીને માણી શકાય તેવી વ્યવસ્થા હતી જેમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ફૂલોનો ગાર્ડન બનાવાયો હતો તેમને દેખાય તે રીતે મોટા ૧૨ માળની ઊંચાઈના કટઆઉટ મુકાયા હતા સામેની બાજુએ નમસ્તે ટ્રમ્પના ર્હોડિંગ્સ પણ મુકાયા હતા પણ ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાં સુધી જવાની તો ઠીક જોવાની પણ તસ્દી લીધી ન હતી.