(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૩૦
મહીસાગર નદીના પટમાં રેતી ખનન સ્થળે આઠ ટ્રક, બાઇક, ડમ્પર તથા જેસીબી મશીન સળગાવી દેવાનાં બનાવ સંડોવાયેલા મનાતા ધર્મેન્દ્રસિંહ ગોહીલ છોટાભાઇનો પુત્ર નરેન તથા પર્વતભાઇ ચીમનભાઇ ગોહીલ સહિત ૫૦ થી વધુ શખ્સોનાં ટોળા વિરૂદ્ધ નંદેશરી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતીનુસાર ફાજલ પુર ગામે રહેતાં વખતસિંહ ગોહીલ દ્વારા મહીસાગર પટમાંથી રેતી ખનન માટે શ્રી હરી એન્ટરપ્રાઇઝ તથા દિવ્ય સમંદર એન્ટરપ્રાઇઝનો વહીવટ તથા દેખરેખ રાખવામાં આવે છે. ફાજલપુર ગામ રીફાઇનરી રોડ થઇ મહીસાગર નદીમાંથી રેતી રોયલ્ટી ભરી ભરાવવાનું કામ કરવામાં આવે છે. ભુસ્તર વિભાગ તરફથી રેતી ખનન અંગેનું પરમીર મળ્યું છે. આ લીઝ પરથી વડોદરા શહેર તથા આજુબાજુથી રેતી ભરવા માટે આવે છે. સવારના સાડા આઠ વાગ્યાના સુમારે વખતસિંહ ગોહીલ ફરજ પર હાજર રહેતા. દરમ્યાન રીફાઇનરી રોડ ગોરધન મોતીનાં ચીલા પાસે ડમ્પરની અડફેટમાં આવી જતાં બાઇક ચાલક ભરતભાઇ મોહનભાઇ ગોહિલ (રહે. ફાજલપુર)નું તત્કાળ મોત નિપજ્યું હતું. અકસ્માત સ્થળેથી ડમ્પરનો ચાલક નાસી છુટયો હતો. આ અકસ્માતનાં બનાવ અંગેની જાણ થતા ધર્મેન્દ્રસિંહ ગોહીલ છોટાભાઇનો પુત્ર નરેન પર્વત ચીમન ગોહીલ સહિત ૫૦ થી વધુ શખ્સોનું ટોળુ અચાનક ધસી આવ્યું હતું.
બે સીઝના સ્થળે ધસી આવેલા ટોળા દ્વારા બુમાબુમ કરવામાં આવી હતી. તમો ગેરકાયદેસર રેતી ભરાવો છે. તેમજ તમારા ટ્રક ચાલકો દરરોજ બેફામ વાહનો ચલાવે છે આ એકસીડન્ટ કરનાર કોણ છે તેમ કહી ટોળા દ્વારા લીઝ ઉપર રેતી ભરવા આવેલા વાહનોમાં તોડફોડ અને આગચંપી કરતાં ભાગદોડ મચી હતી. આઠ ટ્રક, બાઇક, ડમ્પર તથા જેસીબી મશીનોમાં આગ ચાંપી દેવામાં આવતા અંદાજે રૂા.બે કરોડનું નુકસાન પહોંચ્યું હતું.
લોકો ચક્કાજામ કર્યો હતો. અને ફાયર ફાઇટરને પણ અડધા માર્ગ પર રોકી દેવામાં આવ્યા હતા. છ કલાકની ઉત્તેજનાં બાદ મામલો થાળે પડયો હતો. મરનાર ભરત ગોહીલનાં મૃતદેહને સયાજી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ થયા બાદ પરિવારજનો મૃતદેહ સુપ્રત કરવામાં આવ્યો હતો. પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કરવામાં આવતા ગ્રામજનો ભારે રોષની લાગણી પ્રસરી ગઇ હતી.