(એજન્સી) તિરૂવનંતપુરમ, તા. ૧૮
તિરૂવનંતપુરમ, કોલ્લમ અને કસરાગોડ સિવાય કેરળના બધા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી રાજ્યના ૧૧ જિલ્લામાં આજે શનિવારે નવું રેડ એલર્ટ જારી કરાયું હોવાનું કેરળના મુખ્યપ્રધાન પિનારાયી વિજયને જણાવ્યું છે. કેરળના વિનાશક પૂર અને ભારે વરસાદે અત્યાર સુધી ઓછામાં ઓછા ૩૨૪ લોકોનો ભોગ લઇ લીધો છે અને અસંખ્ય લોકો જળબંબાકાર વિસ્તારોમાં ફસાયેલા છે અને ભોજન અને પીવાના પાણીની વિકટ સમસ્યા સામે ઝઝુમી રહ્યા હોવાથી મૃત્યુઆંક ઝડપથી વધવાનો ભય છે. ઓછામાં ઓછા ૩,૧૦,૦૦૦ લોકોને ૨૦૦૦થી વધુ રાહત છાવણીઓમાં ખસેડવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ સર્વેક્ષણ કર્યું હતું અને પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે વધુ હેલિકોપ્ટર્સ, બોટ્સ, રાહત અને બચાવ કામગીરીના અન્ય સાધનો સાથે ૫૦૦ કરોડ રૂપિયાની તાકીદે સહાય આપવાનું વચન આપ્યુું છે.
૧૦ લેટેસ્ટ ઘટનાક્રમ
૧. કેરળના મુખ્યપ્રધાન પી.વિજયન સાથે પૂરગ્રસ્ત વિસ્તારોનું સર્વેક્ષણ કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું ટિ્વટ કર્યું કે સમગ્ર કેરળમાં વિનાશક પૂરથી સર્જાયેલી પરિસ્થિતિનો મેં તાગ મેળવ્યો છે. એક સમીક્ષા બેઠકમાં ભાગ લીધો અને વિનાશક પૂરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે હવાઇ સર્વેક્ષણ પણ કર્યું હતું.
૨. શનિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યપ્રધાન સાથે એક બેઠક યોજી હતી અને રાજ્યને તાકીદે ૫૦૦ કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. આ ૫૦૦ કરોડ રૂપિયાની સહાય અગાઉ ૧૨મી ઓગસ્ટે ગૃહ પ્રધાન રાજનાથસિંહ દ્વારા ૧૦૦ કરોડ રૂપિયા આપવાની કરાયેલી જાહેરાત ઉપરાંત છે. પીએમ મોદીએ વિનાશક પૂરમાં માર્યા ગયેલાઓના પરિવારોને બે લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘવાયેલાઓને ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે.
૩. કેરળમાં રાહત અને બચાવ કામગીરી અને પરિસ્થિતિ પર સક્રિય રીતે ચાંપતી નજર રાખી રહેલા રાજ્યના મુખ્ય પ્રધાન વિજયને જણાવ્યું કે કેરળ છેલ્લા ૧૦૦ વર્ષમાં સૌથી ભયંકર પૂરનો સામનો કરી રહ્યું છે. અત્યાર સુધી નૌકાદળની ૪૨, સૈન્યની ૧૬, કોસ્ટગાર્ડની ૨૮ અને એનડીઆરએફની ૩૯ ટીમ બચાવ કામગીરીમાં જોડાયેલી છે. ટૂંક સમયમાં એનડીઆરએફની અન્ય ૧૪ ટીમ જોડાવાની ધારણા છે. સૈન્યે ૩૦૦થી વધુ હોડીએ કામે લગાડી દીધી છે. બચાવ કામગીરીમાં સૈન્યના ૩૦ હેલિકોપ્ટર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને અન્ય ચાર હેલિકોપ્ટર્સ તેમ જ ૩ કોસ્ટગાર્ડ શિપ પણ કામે લગાડાયા છે.
૪. સોશિયલ મીડિયા પર ૩.૩ કરોડ ભયભીત લોકોએ મદદ માટે અપીલ કરી છે અને આ લોકો કહે છે કે રેસ્ક્યુ સર્વિસિસિનો તેઓ કોન્ટેક્ટ કરી શકયા નથી. પેરિયાર નદી અને તેની ઉપનદીઓના પૂરનાં પાણી એેર્નાકુલમ અને તિરીસુરના ઘણા શહેરોમાં ઘૂસી ગયા છે. એલપ્પુઝા, એર્નાકુલમ, તિરિસુર અને પથાનમથિટ્ટા જિલ્લાઓમાં સ્થિતિ ભયજનક છે. આ જિલ્લાઓમાં રોડ સંપૂર્ણપણે પાણીમાં ડુબી ગયા છે.
૫. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા હજારો લોકો હજી પણ ઝાડ પર અને મકાનોની છત પર બચાવ કામગીરીની રાહ જોઇ રહ્યા છે. વિનાશક પૂરના પાણી હવે રાહત છાવણીઓમાં પણ ઘૂસી રહ્યા છે. મંદિરો, હોસ્પિટલો અને પોતાના ઘરોમાં ફસાયેલા લોકો તરફથી સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે.
૬. પથાનમથિટ્ટા ખાતે દરિયાકાંઠાના ગામોના હજારો માછીમારો બચાવ કામગીરીમાં જોડાયા છે. અહીં ફસાયેલા લોકોને હેલિકોપ્ટર્સ દ્વારા સલામત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ઇડુક્કી જિલ્લામાં જૂનથી અત્યાર સુધી ૩૨૧ સેન્ટીમીટરથી વધુ વરસાદ પડી ગયો છે. આ જિલ્લો રાજ્યના અન્ય ભાગથી કપાઇ ગયો છે. આ સીઝમાં કેરળમાં સામાન્યથી ૧૬૦ ટકાથી વધુ વરસાદ પડી ગયો છે.
૭. સરકારે જણાવ્યું કે કેરળના હજારો ઘરોની સાથે ૧૦૦૦ કિલોમીટરથી વધુનો રોડ ધોવાઇ ગયા છે કે નુકસાન પામ્યા છે. ઉદ્યોગોને પણ ભારે નુકસાન થયું છે. પૂરથી કેરળના રબર ઉદ્યોગને પણ ભારે નુકસાન થયું છે. સહેલાણીઓએ કેરળના તેમના પ્રવાસ રદ કરી દીધા છે. રાજ્યના ૫૦ ટકાથી વધુ વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાઇ ગયો છે.
૮. પૂરનું પાણી ફરીવળવાને કારણે કોચીનું એરપોર્ટ ૨૬મી ઓગસ્ટ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે અને વિમાનોની અવર-જવર તિરૂવનંતપુરમ ખસેડી દેવામાં આવી છે. ટેલિકોમ ઓપરેટર્સે ફ્રી કોલ અને ડેટા સર્વિસિસની જાહેરાત કરી છે. રાહતના અન્ય પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં ટ્રેન સેવાઓ અને મેટ્રો સેવાઓને પણ માઠી અસર થઇ છે. ટ્રાન્સપોર્ટેશન ઠપ થઇગયું છે. સ્થાનિક લોકો અને સહેલાણીઓ અટવાઇ ગયા છે. ઓસ્ટ્રેલિયા, યુકે અને અમેરિકાના નિરાશ એનઆરકે સત્તાવાળાઓે તેમના પરિવારોને સહાય કરવાની અપીલ કરી રહ્યા છે.
૯. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ કેરળના પૂરગ્રસ્ત લોકોને સહાય કરવા માટે સંસાધનો ઉભા કરવાની પક્ષના કાર્યકરોને અરજ કરી છે. સમગ્ર કેરળ અને હવે કર્ણાટકના કોડાગુમાં ભારે વરસાદને કારણે વ્યાપક વિનાશ વેરાયો છે. રાહુલ ગાંધીએ ટિ્વટમાં જણાવ્યું કે આપણા કાર્યકરો અને નેતાઓએ કોંગ્રેસના સેવા અને પ્રેમના મૂલ્યો બતાવવાનો આ સમય છે. જરૂતમંદોની સહાય કરવા પર ધ્યાન કેન્દ્રીત કરો.
૧૦. સંયુક્ત અરબ અમિરાત (યુએઇ)એ કેરળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સહાય કરવાની યોજના બનાવી છે. યુએઇના પ્રમુખ શેખ ખલિફાએ પૂરગ્રસ્ત લોકોને સહાય કરવા માટે નેશનલ ઇમરજન્સી સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે. શેખ મોહમ્મદ બિન રશીદ અલ-મકતુમે ટિ્વટમાં જણાવ્યું કે કેરળના લોકો હંમેશ યુએઇની આપણી સફળ ગાથાનો હજીપણ એક ભાગ છે. પૂરગ્રસ્તોને સહાય અને ટેકો આપવાની આપણી ખાસ જવાબદારી છે.
બેહાલ કેરળે માગ્યા રૂા. ૨,૦૦૦ કરોડ, મોદીએ આપ્યા રૂા. ૫૦૦ કરોડ
ભારે વરસાદ અને પૂરથી બેહાલ બનેલા કેરળની મુલાકાતે ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ હવાઇ નિરિક્ષણ કર્યા બાદ રાજ્યને ૫૦૦ કરોડ રૂપિયાની તાત્કાલિક સહાય જારી કરી હતી. જોેકે, કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને વડાપ્રધાન મોદી પાસે રૂપિયા ૨,૦૦૦ કરોડના પેકેજની માગણી કરી હતી. આ પહેલા કેન્દ્ર સરકારે રાજ્યની સહાય માટે રૂપિયા ૧૦૦ કરોડની જાહેરાત કરી હતી અને નવી સહાયને તેમાં જોડવામાં નથી આવી. મોદીએ આ ઉપરાંત મોતને ભેટેલા દરેકના પરિવારને બે-બે લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘવાયેલા લોકોને ૫૦-૫૦ હજાર રૂપિયા સહાયની જાહેરાત કરી છે. આ બંને સહાય વડાપ્રધાન રાહત ફંડમાંથી આપવામાં આવશે. આ દરમિયાન મોદીએ પોતાના રાજ્યમંત્રીઓ ઉપરાંત અન્ય મંત્રીઓ સહિત કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયન સાથે મુલાકાત કરતા તેમણે આશરે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની તાત્કાલિક સહાયની માગ કરી હતી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, નુકસાનનો ખરો આંકડો તો પૂરના પાણી ઉતર્યા બાદ બહાર આવશે. મોદીએ હવાઇ સર્વેક્ષણ કર્યું હતું પરંતુ ખરાબ હવામાનને કારણે તેમનું સર્વેક્ષણ અધુરૂ છોડવું પડ્યું હતું. જોકે નિરિક્ષણ કર્યા બાદ પણ પીએમ મોદીએ ફક્ત ૫૦૦ કરોડ રૂપિયાની સહાય જારી કરી છે.
કેરળના ૧૧ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરાઇ
દેશના હવામાન વિભાગે કેરળના તિરૂવનંતપુરમ, કોલ્લમ અને કેસરગોડ સિવાય રાજ્યના અન્ય ૧૧ જિલ્લામાં રેડ એલર્ટ એટલે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ભારે વરસાદ પડવાની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરીમાં વધુ અવરોધો ઉભા થવાની સંભાવના છે. ચંગન્નુર અને ચલક્કુડી શહેરોમાં પૂરની ગંભીર પરિસ્થિતિ હોવાછતાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. કેરળના જળ સત્તાએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી મળી રહે તેના માટે ૨૪ કલાકનો કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે. મુખ્યપ્રધાન વિજયને જણાવ્યું હતું કે વરસાદ સંબંધિત ઘટનાઓમાં છેલ્લા બે દિવસમાં ૧૩૬ લોકો માર્યા ગયા છે. દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કેરળના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ સર્વેક્ષણ કર્યું હતું અને રાજ્યને ૫૦૦ કરોડ રૂપિયાની તાકીદની સહાય આપવાની જાહેરાત કરી છે.
કેરળ પૂરની કરૂણાંતિકા ઉઘાડી પડી : મૃતદેહો તરતાં મળ્યા, રોડ ધોવાયા, આહાર અને દવાઓની અછત
પૂરગ્રસ્ત કેરળમાં શનિવારે ઓછામાં ઓછા ૨૩ શબ મળ્યા છે. સમગ્ર રાજ્યમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલુ હોવા છતાં પૂરમાં માર્યા ગયેલા ૧૫ લોકોના શબ પૂરના પાણી પર તરતા મળ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સલામત સ્થળોએ ખસેડવામાં આવે તેના માટે અસંખ્ય લોકો રાહ જોઇને બેઠા છે. વીજ પુરવઠો અને સંદેશા વ્યવહાર ખોરવાઇ ગયા છે અને લોકો આહાર, પીવાના પાણી અને દવાઓની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે. સરકારે આગળ કપરી કામગીરી કરવી પડશે. જોકે, કેરળમાં વિનાશક પૂરથી ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે ૨૫૦૦ કરોડ રૂપિયાની મદદ માગી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળને ૫૦૦ કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. વિનાશક પૂરમાં માર્ગો ધોવાઇ ગયા હોવાથી જાહેર પરિવહન સેવાઓ ખોરવાઇ ગઇ છે. ચગન્નુરના ધારાસભ્ય સજી ચેરિયને જણાવ્યું કે જો પૂરગ્રસ્તો સુધી સહાય નહીં પહોચે તો લોકો ભૂખે મરશે. હવે ત્યાં ભૂખમરાનો ભય છે. એક અધિકારીએ જણાવ્યું કે આશરે ચાર લાખ લોકો રાહત છાવણીઓમાં છે.
કેરળમાં પૂર : અમરિન્દરસિંહે ૧૦ કરોડની સહાયની જાહેરાત કરી,પંજાબ IAS એસોસિએશનના સભ્યો સીએમ રાહત ફંડમાં એક દિવસનો પગાર દાન કરશે
પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દરસિંહે પૂરગ્રસ્ત કેરળ માટે ૧૦ કરોડ રૂપિયાની તાકીદની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાનના કાર્યાલયથી જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ૧૦ કરોડમાંથી પાંચ કરોડ રૂપિયા મુખ્યપ્રધાનના રાહત ફંડમાંથી ટ્રાન્સફર કરવામાં આવશે જ્યારે બાકીના પાંચ કરોડ રૂપિયા તૈયાર ખાદ્ય સામગ્રી અને અન્ય જરૂરી વસ્તુઓના સ્વરૂપમાં આપવામાં આવશે. ખાદ્ય સામગ્રી અને અન્ય પુરવઠા સંરક્ષણ મંત્રાલયની સહાયથી કેરળ લઇ જવામાં આવશે. સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે હવાઇ દળના પ્રથમ ફેરામાં ૩૦ ટન તૈયાર ખાદ્ય વસ્તુઓ લઇ જવામાં આવશે. આ ખાદ્ય વસ્તુઓમાં બિસ્કિટ, બોટલબંધ પાણી અને મિલ્ક પાવડરનો સમાવેશ થાય છે. પ્રથમ જથ્થામાં આશરે એક લાખ ફૂડપેકેટ્સ મોકલવામાં આવશે. જ્યારે બાકીની સામગ્રી કેરળ સરકાર મંગાવશે ત્યારે મોકલી દેવામાં આવશે. પંજાબ સરકાર પૂરગ્રસ્ત કેરળને સમયસર મદદ પહોંચાડવાના શક્ય બધા જ પ્રયાસ કરી રહી છે. દરમિયાન, પંજાબના મુખ્યપ્રધાનની અપીલ પર પંજાબ આઇએએસ ઓફિસર્સના એસોસિએશનના સભ્યોએ કેરળ માટેના રાહતના પગલાંના સમર્થનમાં મુખ્યપ્રધાનના રાહત ફંડમાં એક દિવસનો પગાર દાનમાં આપવાનું નક્કી કર્યું છે.
પાડોશી કેરળમાં ભયંકર પૂરની સ્થિતિ
તો અડધા કર્ણાટકમાં દુષ્કાળ જાહેર
(એજન્સી) તા.૧૮
પાડોશી કેરળમાં ભયંકર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. અત્યાર સુધી ત્યાં સદીના સૌથી ભીષણ પૂરને કારણે ૧૦૬થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે અને રાહત-બચાવકામગીરીમાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે કર્ણાટકના ૧૬ જિલ્લામાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે અને સરકારે હવે ત્યાં દુષ્કાળ જાહેર કરવાની ફરજ પડી છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર દક્ષિણ કર્ણાટકમાં ચાર જિલ્લામાં અને ઉત્તર ભાગમાં ૧૨ જિલ્લામાં ખૂબ જ ઓછો વરસાદ નોંધ્યો છે અને છેલ્લે જૂન મહિનાથી આવી જ સ્થિતિ છે. નેચરલ ડિઝાસ્ટર મોનિટરિંગ સેન્ટરના ડિરેક્ટર ડો. જીએસ શ્રીનિવાસ રેડ્ડી કહેછે કે ઉત્તર કર્ણાટકના ૧૨ જિલ્લામાં ભયંકર સ્થિતિ સર્જાઈ છે. અમે ગઇકાલે બેઠકમાં આ મુદ્દે ચર્ચા પણ કરી હતી. અમે ૧૬ જિલ્લામાં ઓછા વરસાદ અંગેની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. રેવન્યુ વિભાગ દ્વારા કરવામાં આવેલી ભલામણોનો અમલ કરવામાં આવશે અને તમામ માપદંડો અપનાવવામાં આવશે. જોકે જાહેર કરાયેલા આંકડા અનુસાર રાઈચુર, વિજયપુરા, ગાદગિર, ગડગ જેવા વિસ્તારોમાં ભયંકર પૂરની સ્થિતિ છે.
યુએઈ કિંગે કહ્યું ; કેરળના લોકો અમારી
સફળતાનો મોટો ભાગ રહ્યા છે
(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
૧૦૦ વર્ષમાંના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહેલ કેરળની મદદ માટે વિદેશમાંથી પણ લોકો આગળ આવવા લાગ્યા છે. આ જ ક્રમમાં સંંયુક્ત અરબ અમીરાત (યુએઈ)ના શેખ ખલીફાએ નેશનલ ઈમરજન્સી કમિટીની રચના કરવાના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું છે કે આ કમિટી કેરળમાં પૂરગ્રસ્ત વિસ્તારો અને પૂર પીડિતોને જરૂરી મદદ પૂરી પાડે. ઉલ્લેખનીય છે કે કેરળમાં પૂર અને વરસાદને કારણે ગત ૯ દિવસોમાં ૩ર૪ લોકોનાં મોત નિપજ્યાં છે. યુએઈના શેખ મોહમ્મદે કેરળની સ્થિતિને ગત એક શતાબ્દીની સૌથી મોટી દુર્ઘટના ગણાવતા લખ્યું છે કે, કેરળ રાજ્યમાં આ સમયે ભયંકર પૂર આવ્યું છે. સેંકડો લોકો માર્યા ગયા છે. હજારો લોકો વિસ્થાપિત થયા છે. ઈદ-અલ-જુહાના પવિત્ર તહેવાર પહેલા આપ સૌ કેરળના લોકોની મદદ કરવાનું ના ભૂલશો. તેમણે લખ્યું છે કે, કેરળના લોકો અમારી સફળતાનો મોટો ભાગ રહ્યાં છે અને હજુ પણ છે. એ અમારી વિશેષ જવાબદારી છે કે, અમે પીડિતોની મદદ કરીએ. તેમણે આગળ લખ્યું કે યુએઈ અને ઈન્ડિયન કમ્યુનિટીના લોકો એકઠા થઈને પીડિતોની મદદ કરશે. અમે એક કમિટીની રચના કરી છે, જે તરત કામ શરૂ કરી દેશે. અમે દરેકને તેમાં દિલ ખોલીને યોગદાન આપવાની અપીલ કરી છે. પૂર પીડિતો માટે બનાવવામાં આવેલી નેશનલ ઈમરજન્સી કમિટીની અધ્યક્ષતા અમીરાત રોડ ક્રેસેંટ કરશે. તેમાં ઘણાં માનવાધિકાર સંગઠન પણ સામેલ થશે.
કેરળ મેઘતાંડવ : ઓડાપલ્લી ગામે ફસાયેલા ઓડિસાના ૧૩૦
કામદારોને બચાવી લેવા ઓડિસા સરકારે પી.વિજયનને વિનંતી કરી
(એજન્સી) ભુવનેશ્વર, તા.૧૮
ઓડિસાના ૧૩૦ કામદારો કેરળના ઓડાપલ્લી ખાતે પૂરમાં ફસાઈ જતાં ઓડિસા સરકારે તેમને મદદ માટે કેરળ સરકારને વિનંતી કરી છે. રાજ્યના અનિલ શેઠી નામના વ્યક્તિએ ઓડિસા સરકારને વિનંતી કરી છે કે ૧૩૦ કામદારો કેરળમાં ઓડાપલ્લી ખાતે એક ઘરમાં ફસાયા છે. જ્યાં તેમને ખાવાનું કે પીવાનું પાણી મળતું નથી. તેમને મદદ માટે ઓડિસા સરકારને વિનંતી કરાઈ હતી. ઓડિસાના રાહત કમિશનરે કેરળના મુખ્ય સચિવને એક પત્ર લખી ભૂખ-તરસથી તડપતા ઓડિસાના કામદારોને તાકીદે મદદ માટે વિનંતી કરી છે.
પૂરગ્રસ્ત કેરળ : કોંગ્રેસ સાંસદો-ધારાસભ્યો એક મહિનાનો પગાર આપશે
(એજન્સી) નવી દિલ્હી,તા.૧૮
કેરળમાં ભયાનક પૂરના કારણે ભારે તબાહી મચી ગઈ છે. જાન માલને ભારે નુકસાન થયું છે તેને જોતા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિર્ણય કર્યો છે કે કૉંગ્રેસ પાર્ટી તમામ સાંસદ, ધારાસભ્ય અને વિધાન પરિષદ સદસ્ય એક મહિનાની પગાર રાજ્યના પૂર પીડિતોની મદદ માટે આપશે.
પાર્ટીના મહાસચિવો, રાજ્ય પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષો અને ધારાસભ્ય દળના નેતાઓ સાથેની બેઠકમાં કૉંગ્રેસ અધ્યક્ષે આ પણ કહ્યું કે પાર્ટીના નેતા અને કાર્યકર્તા કેરળ, કેટલાક બીજા રાજ્યોમાં આવેલી પૂર પ્રભાવિત લોકો તમામ સંભવિત મદદ કરે.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને કેરળની પૂરને રાષ્ટ્રીય આફત જાહેર કરવાની માંગ કરી છે. બેઠક બાદ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મીડિયાને કહ્યું કે, બેઠકમાં પૂર દેશમાં આવેલી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી અને કૉંગ્રેસે માંગ કરી છે કેરળની પૂરને રાષ્ટ્રીય આફત જાહેર કરવામાં આવે.
કેરળમાં બચાવ કામગીરીમાં ૩૮ હેલિકોપ્ટર્સ, સેંકડો હોડીઓનો ઉપયોગ થઇ રહ્યો છે
કેરળના ૧૦૦ વર્ષના ઇતિહાસમાં સૌથી વિનાશક પૂર અને ભારે વરસાદે ૩૨૪ લોકોનો ભોગ લીધો છે અને ૩.૧૦ લાખ લોકોને ૨૦૦૦થી વધુ રાહત છાવણીઓમાં ખસેડવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમોને સાથે સેનાની ત્રણે પાંખના નેતૃત્વમાં અભૂતપૂર્વ રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને પૂરગ્રસ્તોને રાહત સામગ્રી પુરી પાડવાની કામગીરીમાં ૩૮ હેલિકોપ્ટર્સને કામે લગાડવામાં આવ્યા છે. સંસાધનો લઇ જવા માટે ૨૦ એરક્રાફ્ટની સેવાઓ લેવામાં આવી રહી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં પોતાના મકાનોની છત અને ઝાડ પર ફસાયેલા લોકો સહાય માટે હેલિકોપ્ટર્સને હતાશા સાથે હાથ બતાવતા જોઇ શકાય છે. કેટલાક વિસ્તારોમાં તો માત્ર હેલિકોપ્ટર્સ દ્વારા જ ફસાયેલા લોકોને બહાર કાઢી શકાય છે. હેલિકોપ્ટર્સ સિવાય અન્ય કોઇ વિકલ્પ સહાયરૂપ થવાની કોઇ સંભાવના નથી. કેરળના મુખ્યપ્રધાન પી.વિજયને સંરક્ષણ મંત્રાલય પાસે વધુ ૧૧ હેલિકોપ્ટર્સની માગણી કરી છે.
કેરળની મહિલાએ તેના રપ કૂતરાઓ વગર પાણીથી ભરાયેલું ઘર છોડવાની ના પાડી
(એજન્સી) કોચી, તા.૧૮
કેરળમાં રાહતકાર્ય કરી રહેલા બચાવકર્તાએ શનિવારે કહ્યું હતું કે એક મહિલાએ તેના રપ કૂતરાઓ વગર પાણીથી ભરાયેલા તેના ઘરને છોડવાનો ઈન્કાર કર્યો હતો. આ મહિલાનું નામ સુનિતા હતું જે બચાવદળના સભ્યોને તૃશ્શુરમાંથી મળી આવી હતી. મહિલાએ કહ્યું હતું કે, તે તેના કૂતરાઓને છોડીને નહીં જાય. થોડીવાર પછી મહિલાની વાત માની બચાવદળે તેના કૂતરાઓને પણ બચાવી લીધા હતા. બચાવદળે જણાવ્યું હતું કે જ્યારે અમે મહિલાના ઘરમાં પહોંચ્યા ત્યારે બધા જ કૂતરાઓ એક બેડ પર બેઠેલા હતા અને તે બેડ પાણીમાં તરી રહ્યું હતું. બચાવદળે બધા જ કૂતરાઓને પ્રાણીઓ માટે બનાવવામાં આવેલા કેમ્પમાં મોકલી દીધા છે.
Recent Comments