(એજન્સી) મેલબર્ન, તા.૧૪
૧૯૭૦ના દાયકામાં તમિલનાડુના નેલ્લઇ સ્થિત એક મંદિરમાંથી ચોરાયેલી ૧૬મી સદીની આશરે ૫૦૦ વર્ષ જૂની નટરાજની મૂર્તિ ઓસ્ટ્રેલિયાના મ્યુઝિયમમાંથી મળી આવી છે. અહેવાલ મુજબ નેલ્લઇના મંદિરમાંથી ચોરોએ ચાર મૂર્તિઓ ચોરી હતી. ૧૯૮૨ સુધી આ મૂર્તિઓની શોધખોળ કરવામાં આવી પરંતુ પોલીસ ચોરોને પકડવામાં અસમર્થ રહી હતી.
ઓસ્ટ્રેલિયાના એડીલેટમાં સ્થિત આર્ટ ગેલેરી ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયા (એજીએસએ)એ જણાવ્યું કે આ મૂર્તિ અંગે અમે શોધ કરી રહ્યા હતા એ દરમિયાન એશિયન આર્ટ ક્યુરેટરે સપ્ટેમ્બર ૨૦૧૬માં જાણ કરી હતી કે નટરાજની મૂર્તિ ચોરાયેલી હતી. બન્ને દેશોની સરકાર આ અંગે વાર્તાલાપ કરી રહી હતી. કાર્યવાહી સમાપન બાદ હવે સંભાવનાઓ છે કે ઓસ્ટ્રેલિયન સરકાર ૩૦ દિવસમાં ભારતને ઐતિહાસિક મૂર્તિ પરત કરે.
આ અંગે રોષ વ્યક્ત કરતા મંદિર નિર્માણના જાણકાર અને ધ આઇડિયલ થીફ પુસ્તકના લેખક કુમારે જણાવ્યુ કે એજીએસઇએ આપેલી જાણકારી સાચી છે. પરંતુ ૨૦૧૬માં આર્કાઇવ ફોટો પરથી તેમને માહિતી મળી હતી તો બે વર્ષ સુધી ઓસ્ટ્રેલિયાના અધિકારીઓની ચુપકી તેમની નૈતિકતા પર સવાલો ઉભા કરે છે.
રિપોર્ટ પ્રમાણે આર્ટ ગેલેરીએ ૨૦૦૧માં ૭૬ સેમીની ઉંચી નટરાજ મૂર્તિ ૩ લાખ ૩૦ હજાર ડોલર ( લગભગ બે કરોડ ૩૬ લાખ રૂપિયા)માં બ્રિટનના ડિલરો થકી એક યુરોપિયન શખ્સ પાસેથી ખરીદી હતી. આર્ટ ગેલેરીના અધ્યક્ષે આ અંગે સ્પષ્ટતા કરી હતી કે ડિલરો દ્રારા ચોરીની વાતને દબાવામાં આવી હતી. આ પહેલી વાર નથી બન્યું જ્યાં આસ્ટ્રેલિયાએ ભારતમાંથી ચોરાયેલી મૂર્તિ ખરીદી હોય. ગેલેરીની બીજી ૨૪ વસ્તુઓ પર વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હતો પરંતુ ભારતે માત્ર નટરાજની મૂર્તિ માટે જ દાવો કર્યો હતો.