વડોદરા, તા.ર૮
એટીએમમાં કાર્ડ પ્રોસેસ થતુ નથી તેમ કહી બે સ્થળોએથી રૂપિયા અડધો લાખની રોકડ કાઢી લઇ અજાણ્યા ગઠીયા રવાના થયા હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો.પોલીસ વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતીનુસાર ફતેપુરા કુંભારવાડામાં રહેતા શારદાબેન રાજપૂત જુનું એટીએમ બંધ થઇ જતાં જમા કરાવી નવુ એટીએમ કાર્ડ કઢાવ્યું હતું. તેમણે મહિલા લોન પેટે રૂા.૪૦ હજારની લોન લીધી હતી અને તે રકમ બેંકમાં જમા કરાવી હતી. શારદાબેન રાજપૂતની બહેનને રૂા.૩૦ હજાર આપવાના હતા. બપોરના સમયે શારદાબેન તેમના ભાણેજ ધર્મેશે સાથે લઇ હરણી રોડ વિજયનગર પાસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના એટીએમ પર આવી પહોંચ્યા હતા. ભાણેજ ધર્મેશ નવું એટીએમ કાર્ડ મશીનમાં નાંખી પ્રોસેસ કર્યો હતો. કાર્ડના પ્રોસેસ દરમ્યાન અજાણ્યો શખ્સ ત્યા આવી પહોંચ્યો હતો.ભાણેજને મદદ કરવાના બહાને અજાણ્યા શખ્સે કીબોર્ડના બટન દબાવી પ્રક્રિયા પુરી કરી દેતા કાર્ડ બહાર આવી ગયું હતું. અજાણ્યા શખ્સે કાર્ડ બહાર કાઢી ધર્મેશ રાજપૂતના હાથમાં કાર્ડ મુકીને એવું કહ્યું હતું કે,તમારુ કાર્ડ ચાલુ થયું નથી. બેંકમાં જઇને તપાસ કરો. માસી અને ભાણેજ કાર્ડ લઇ બેંકમાં પહોંચ્યા હતા. બીજી બાજુ કાર્ડની પ્રક્રિયા પૂર્ણ કરનાર અજાણ્યો ભેજાબાજ ગઠીયો રૂા.૩૦ હજાર ઉપાડી લઇ રવાના થયો હતો. બેંક મેનેજર પાસે આવી પહોંચેલા શારદાબેન રાજપૂતે પૈસા કેમ જમા થયા નથી તેવું પુછયું હતું, એટલે મેનેજરે સીસીટીવી ફુટેજ જોતા તેમા અજાણ્યો ગઠીયો રૂા.૩૦ હજાર ઉપાડીને રવાના થતો નજરે પડ્યો હતો. વારસીયા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
બીજા બનાવમાં વારસીયા હરણી રીંગ રોડ ઝવેરનગર સોસાયટીમાં રહેતા કૌશીકસિંહ ચૌહાણ લકવાની બિમારીથી પીડાય છે. બપોરના સમયે કૌશિકસિંહ તેમના પિતરાઇભાઇ ધનજીને સાથે લઇ વિજયનગર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં આવી પહોંચ્યા હતા. નવા એટીએમ કાર્ડમાં નવો પાસવર્ડ મેળવી લઇ બહાર આવેલા એટીએમ પર બંને આવી પહોંચ્યા હતા. એટીએમમાં કાર્ડ નાંખ્યા બાદ નવો પીન નંબર નાંખી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ એટીએમ મશીન પ્રોસેસ અડધુ છે તેમ કહી બંધ થતું હતું. થોડીવારમાં અજાણ્યો શખ્સ કેબીનમાં પ્રવેશ્યો હતો અને મદદ કરવાના બહાને મશીનમાં બીજીવાર એટીએમ કાર્ડ નાંખ્યું હતું. પ્રેાસેસ કરવાનાં બહાને અજાણ્યા ગઠીયાએ પીન નંબરના આધારે પૈસા ઉપાડવાની વિધિ પૂરી કર્યા બાદ એટીએમ કાર્ડ કૌશિકસિંહને પરત આપ્યું હતું.
એટીએમમાંથી રૂા.૧૦૦ કાઢી આપનાર અજાણ્યો ગઠીયો રૂા.૨૦ હજાર ઉપાડી લઇ રવાના થયો હતો. એટીએમમાંથી નાણાં નહી નીકળતા પરત ઘરે આવી પહોંચેલા કૌશિકસિંહના મોબાઇલ ફોન પર સંદેશો આવ્યો હતો. જેમાં ખાતામાંથી રૂા.૨૦ હજાર ઉપાડી લેવાની નોંધ હતી. બીજા દિવસે બેંકમાં દોડી આવેલા કૌશીકસિંહ રજૂઆતના પગલે સીસીટીવી ફુટેજની તપાસણી કરવામાં આવી હતી. સીસીટીવી ફુટેજમાં અજાણ્યો ગઠીયો એટીએમમાંથી રોકડા રૂા.૨૦ હજાર ઉપાડી લઇ કેબીનમાંથી રવાના થતા કેદ થયો હતો. વારસીયા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.