વલસાડ, તા.૨૧
વાપી ચલા સ્થિત શુભમ ટાવરમાં રહેતા અને જીઆઇડીસી ખાતે અમીત એન્જીનીયર્સના નામે કંપની ચલાવતા ૫૫ વર્ષીય અમીતકુમાર મોહનલાલ શાહ ૯ ફેબ્રુઆરીના રોજ કંપનીથી ઘરે જઇ રહ્યા હતા. તે દરમિયાન ઇંડસ્ટ્રીયલ બોઇલર નામની કંપની સામે પેશાબ કરવા ઉભા રહેતા બાઇક અને કારમાં આવેલા અમીતનું અપહરણ કરી બળજબરીથી તેમની કારની પાછળની સીટ પર સુવડાવી ચુપચાપ રહો અવાજ નહીં કરતા કહીં હાઇવે થઇ ચણોદના ચમોલાઇ ગામે લઇ ગયા હતા. જ્યાં એક રૂમમાં ગોંધી રાખી ચપ્પુ અને લાકડાથી મારી દઇશું કહી જાનથી મારવાની ધમકી અપાઇ હતી. સોપારી મળી છે કહીં આરોપીઓએ પીડિતને જણાવેલ કે, એક માણસના રૂ.૫૦ લાખ બાકી છે અને તે ઉઘરાવવા તેમને સોપારી મળી છે. જેમાંથી ૨૦ ટકા તેમને મળશે કહીં તાત્કાલિક રૂ.૫૦ લાખ મંગાવવા કહેતા તે જ સમયે અમીતભાઇના પિતાએ ફોન કર્યો હતો.
લાઉડસ્પીકર ઓન કરાવી આરોપીઓએ તેમના પાસેથી રૂપિયાની માંગણી કરાવી હતી. પિતાએ દોઢ કલાકમાં રૂ.૨૫ લાખની વ્યવસ્થા કરી ફોન કરતા ફરિયાદીએ તેમના ઘરે પણ ૨૫ લાખ પડેલા છે કહ્યું હતું. રૂપિયા લેવા માટે માણસ મોકલાવું છું કહી આરોપીઓ પૈકી ૨ લોકો તેમના પિતા પાસે ગયા હતા અને રૂપિયા લઇ પરત આવી ફરિયાદીને તેમની બીએમડબ્લ્યુ કારમાં પાછળ બેસાડી ભડકમોરા હનુમાન મંદિર પાસે છોડી ગયા હતા. પોલીસે ૬ આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂ.૫ લાખ, કાર, બાઇક અને એક ટેમ્પો મળી કુલ ૨૪.૩૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે અન્ય ૫ લોકોને પકડવાની તજવીજ હાથ ધરાઇ છે.