(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૬
રીફાઇનરીના ટેન્કરોમાંથી ડિઝલ ચોરીનાં ચાલતા કૌભાંડનો શહેર એસ.ઓ.જી. પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે કરચીયા ગામમાં દરોડો પાડી ૫૧૦ લીટર ચોરીનાં ડિઝલ સાથે એક જણાંની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, એસ.ઓ.જી.ના પો.ઇ.એમ.આર. સોલંકીને બાતમી મળી હતી કે, શહેર નજીકનાં કરચીયા ગામમાં દશરથ ફળિયામાં રહેતો સુરેશ ભગવતીપ્રસાદ ઉપાધ્યાય કેરબામાં ચોરીનું ડિઝલ લાવીને વેચે છે આ બાતમીને પગલે પોલીસે મોડીરાત્રે સુરેશના ઘરે દરોડો પાડ્યો હતો. તપાસ કરતાં ઘરમાંથી ૫૧૦ લીટર ડિઝલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની તપાસમાં કરચીયા ગામમાં માળી મહોલ્લામાં રહેતા કેટલાક યુવાનો આઇ.ઓ.સી.માં નોકરી જાય છે. તેઓ કંપની પાસે ડિઝલ ભરેલી ટેન્કરોમાંથી ડિઝલની ચોરી કરીને સુરેશ ઉપાધ્યાયને વેચતા હતા. સુરેશ આ ડિઝલ વેચતો હતો. સુરેશના ઘરમાંથી પોલીસે ૨-બેરલ,૪-કારબા, ૧ મોબાઇલ ફોન મળી રૂા.૩૯૬૮૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.ટેન્કરોમાંથી ડિઝલ ચોરી કરીને વેચવામાં ઝડપાયેલા આ કૌભાંડમાં સુરેશ અગાઉ ચાર વર્ષ પહેલા પણ ઝડપાયો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ તેને પુનઃ આ ધંધો શરૂ કર્યો હતો. તેની સાથે આ કૌભાંડમાં કોણ સંડોવાયેલ છે તે અંગે એસ.ઓ.જી.એ વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે જવાહરનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.