સુરેન્દ્રનગર, તા.૩૧
ધ્રાંગધ્રા તાલુકાનાં ધુમઠ અને સરવાલ ગામની સીમમાં ચરવા ગયેલી ગાયો ખેતરમાંથી એરંડાના પાન અને બી ખાઇ જતાં ધ્રુમઠ ગામમાં ૪૧ અને સરવાલ ગામમાં ૧૩ ગાય મળી કુલ ૫૪ ગાયનાં મોત થતાં પશુપાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ અને સરવાલ ગામની સીમમાં ચરવા માટે ગયેલી ગાયો એરંડાના ખેતરમાં ચરવા માટે ઘુસી ગઇ હતી. જ્યાં ગાયો એરંડાના પાન અને બી ખાઈ ગયા બાદ ગામમાં પરત ફરી હતી. પરંતુ એરંડાના બી અને પાનને લઈને ગાયોને આફરો ચડી જવાથી અને ઝેરની અસર થતા ગાયોના મોત થવા લાગ્યા હતા. છેલ્લા ત્રણ ચાર દિવસમાં ધ્રુમઠમાં ૪૧ અને સરવાલમાં ૧૩ ગાયોના મોત નીપજતા પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અચાનક એક સાથે ૫૪ જેટલી ગાયોના મોત નીપજતા ગામ લોકો દ્વારા સાવચેતીને ધ્યાનમાં લઈ અન્ય પશુઓ એરંડાના ખેતરમાં ચરવા માટે ન જાય તે માટે પશુઓને રેઢા મોકલવાના બંધ કરી દીધા છે.