(એજન્સી) તા.૧૯
ભારતમાં પ૪ વર્ષ વીતાવ્યા પછી થોડા સમય પહેલાં ચીન પાછા જનાર ચીની સૈનિક વાંગ છી એ હવે ભારતીય સેના તરફથી કથિતરીતે થયેલા ઉત્પીડન માટે ભારત સરકાર પાસેથી વળતરની માગણી કરી હતી. વાંગ છી એ આ વળતરની માગણી કરતી અરજી બેઈજીંગ સ્થિત ભારતીય દૂતાવાસમાં આપી હતી. તેઓ મંગળવારે બેઈજીંગ ખાતે આવેલા ભારતીય દૂતાવાસમાં ગયા હતા અને તેમની અરજી આપી હતી. ભારતીય અધિકારીઓએ વાંગ છીને વચન આપ્યું કે તેઓ આ બાબત માટે સંબંધિત અધિકારીઓને આ અરજી પહોંચાડી દેશે. એક અહેવાલ પ્રમાણે વાંગે દાવો કર્યો હતો કે એમણે જીંદગીના પાંચ દશકા મધ્યપ્રદેશ નકસલ પ્રભાવિત વિસ્તારમાં ભારે મુશ્કેલીથી ગુજાર્યા હતા અને આ કારણે તેમને વળતર મળવું જોઈએ. એમણે નિવૃત્તિ પછી મળતી સરકારી સુવિધાઓ માટે પણ ચીનની સરકારે પત્ર લખ્યો હતો. વાંગે પોતાને એક મિકેનિકલ એન્જિનિયર બતાવ્યા અને દાવો કર્યો કે તેમની ૩ જાન્યુઆરી ૧૯૬૩ના દિવસે ભારતીય સેનાએ ધરપકડ કરી હતી. વાંગનો પુત્ર વિષ્ણુ અત્યારે પણ મધ્યપ્રદેશના બાલાઘાટમાં રહે છે અને તેમણે આ માહિતીને સમર્થન આપ્યું હતું કે તેમના પિતાએ મંગળવારે ભારતીય અધિકારીઓથી મુલાકાત કરી હતી. પરંતુ એમને એ અંદાજ નથી કે તેમની વચ્ચે કઈ વાતચીત થઈ. તેમણે કહ્યું હતું કે મારા પિતાના વીઝા ૧૦ ફેબ્રુઆરીએ પૂરા થાય છે. અધિકારીઓએ તેમને આશ્વાસન આપ્યું છે કે તેમના વીઝાની મર્યાદા બે મહિના માટે વધારી આપવામાં આવશે. વાંગ અત્યારે હાલમાં ચીનમાં તેમના પૈતૃક ગાંવ ઝીઓઝાઈનાનમાં રહે છે જ્યારે તેમના પુત્ર બાલાઘાટના તિરોડી ગામમાં રહે છે. વાંગની પત્નીનું મૃત્યુ કેટલાક મહિના પહેલાં સ્વાઈન ફ્લૂને કારણે નાગપુરમાં થયું હતું. વાંગે આક્ષેપ કર્યો હતો કે તેમની ધરપકડ થયા પછી તેમના ઉપર ખૂબ જ અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. વાંગનું કહેવું છે કે, તે ૧૯૬રના યુદ્ધ પછી ૧૯૬૩માં ભૂલથી ભારતીય સરહદમાં ઘૂસી આવ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ભારતીય અધિકારીઓનું કહેવું છે કે, તેઓ ભારતમાં દસ્તાવેજ વગર ઘૂસ્યા હતા અને તેમની સાથે જાસૂસની જેમ વ્યવહાર કરવામાં આવ્યો હતો. ધરપકડ થયા પછી વાંગ ભારતની કેટલીક જેલોમાં ૭થી ૮ વર્ષ સુધી રહ્યા. જેલમાંથી આઝાદ થયા પછી તેઓ મધ્યપ્રદેશના તિરોડી ગામમાં રહેવા લાગ્યા ત્યાં તેમણે એક લોટની ચક્કીમાં કામ કરવાનું શરૂ કર્યું. પછી તેમણે ત્યાં જ લગ્ન કર્યા અને તેમના બાળકો થયા. અહીંયા ઘર વસાવ્યા પછી પણ તેઓ તેમના પૈતૃક દેશમાં જવાની ઈચ્છા રાખતા હતા. લાંબા સંઘર્ષ પછી ગયા વર્ષે વાંગ અને તેમનો પરિવાર ચીન જવામાં સફળ થયા. તેમનું સ્વદેશમાં આગમન ચીનના મીડિયામાં મોટી ખબર તરીકે સમાચાર પત્રોના આગળના પેજ ઉપર સ્થાન મેળવવા સફળ રહ્યા. ચીનની સરકારે વાંગ અને તેમના પરિવારને ર વર્ષના વીઝા આપ્યા છે.