(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૨
વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં રસ્તા રેષામાં આવતા કાચા-પાકા મકાનનાં દબાણો દૂર કરવાની આજે કામગીરી હાથ ધરાઇ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
વડોદરા મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા મુખ્યમાર્ગો પર આવેલા દબાણો દૂર કરી માર્ગોને પહોંળા કરવાની કામગીરી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે છેલ્લાં કેટલાક સમયથી નવાયાર્ડ રોડ પરનાં દબાણો દૂર કરવા માટે ચાલી રહેલી પ્રક્રિયાનાં અંતે આજે સવારથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરા કોર્પોરેશન દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશનની આસપાસમાં રોડ પરનાં દબાણ કારણે અગાઉ નોટીસો આપવામાં આવી હતી. જેની મુદ્દત પુરી થતા આજે કામગીરી હાથ ધરાઇ હતી. કોર્પોરેશન દ્વારા કાચા-પાકા મકાનો તેમજ બેથી ત્રણ મજલી મકાનો જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક લોકોએ સ્વૈચ્છાએ પોતાના દબાણો દુર કરી લીધા હતા. વિસ્તાર સંવેદનશીલ હોવાથી કોર્પોરેશનની દબાણ ટુકડીએ પોલીસ બંદોબસ્ત સાથે રાખી કામગીરી હાથ ધરી હતી. દબાણ અધિકારી મંગેશ જયસ્વાલે જણાવ્યું હતું કે, ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નં.૭માં શાસ્ત્રીબ્રિજથી છાણી સર્કલના રસ્તા-રેષામાં આવતા ૫૫ જેટલા કાચા-પાકા મકાનો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.