(એજન્સી) ભોપાલ, તા.ર૧
મધ્યપ્રદેશના મંદસૌરમાં આઠ વર્ષની બાળકીના બળાત્કારના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે બન્ને આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. ઘટના ર૬ જૂનના રોજની છે. ઈરફાન અને આસિફ નામના નરાધમોએ શાળામાંથી બાળકીનું અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો. આ કેસમાં કોર્ટે માત્ર પ૬ દિવસમાં સુનાવણી પૂર્ણ કરી હતી અને આરોપીઓને સજા ફટકારી હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટના ન્યાયમૂર્તિ નિશા ગુપ્તાએ સામૂહિક બળાત્કારના આ કેસમાં ઈરફાન ઉર્ફે ભૈયુ (ઉ.વ.ર૦) અને આસિફ (ઉ.વ.ર૪)ને અલગ અલગ કલમ હેઠળ દોષિત ઠેરવી મોતની સજા ફટકારી હતી. સરકારી વકીલ બી.એસ.ઠાકુરે આ અંગેની માહિતી આપી હતી. ભારતીય દંડસંહિતાની કલમ ૩૭૬ ડી.બી. હેઠળ ફેંસલો સંભળાવવામાં આવ્યો હતો. ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી આ બાળકી સ્કૂલેથી પરત ફરી રહી હતી ત્યારે લાડુ ખવડાવવાની લાલચ આપી બળાત્કારના ઈરાદે બાળકીનું અપહરણ કરાયું હતું. સામૂહિક બળાત્કાર બાદ તેની પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. ર૭ જૂનની સવારે આ બાળકી શહેરના બસ સ્ટેન્ડ નજીકથી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. મધ્યપ્રદેશ પોલીસની ખાસ તપાસ ટીમે બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.