(એજન્સી) કોચી,તા.ર
મુસ્લિમ કોઓર્ડિનેશન કમિટી (એમસીસી)ની આગેવાની હેઠળ વિવિધ લોકોએ નાગરિકતા કાનૂન (સીએએ) વિરૂદ્ધ કોચીમાં બુધવારે કૂચ યોજી હતી. અંદાજે પ લાખથી વધુ મુસ્લિમોએ કોચીના મરીન ડ્રાઈવ ગ્રાઉન્ડ પર સંમેલનમાં ભાગ લીધો હતો. એમસીસી વિવિધ મુસ્લિમ પ્રતિનિધિઓનું સંગઠન છે. જે કેરાલામાં કામ કરે છે. આ રેલીને વિવિધ મુસ્લિમ સંગઠનો અને રાજકીય દળોના નેતાઓએ સંબોધી હતી. આયોજનના કન્વીનર કેપીએ મજીદે કહ્યું હતું કે, કમિટીના ભાવિ કાર્યક્રમમાં કાનૂની લડત, સામાજિક જાગૃતિ, લોકોને ભેગા કરવા વગેરે પ્રાદેશિક કક્ષાએ થશે. તેમણે દોહરાવ્યું કે આ બંધારણના માળખાના વિચારોને પુનઃ સ્થાપિત કરવા માટેની લડાઈ છે. આ સંમેલનમાં ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી મુખ્ય મહેમાન હતા. મેવાણીએ જામિયા મિલ્લિયાની વિદ્યાર્થિનીઓનો ઉલ્લેખ કરી કહ્યું કે તેમણે સીએએ વિરૂદ્ધ રેલીમાં અગ્રેસર ભાગ ભજવવા બદલ સલામ બેઠકમાં અટકાયત કેન્દ્રોમાં મૃત્યુ પામેલા લોકોનાં માનમાં ૧ મિનિટનું મૌન પળાયું હતું. તેમણે યુપી સરકાર પર રાજ્યને સીરિયા જેવી સ્થિતિમાં બદલવાનો આરોપ મૂક્યો હતો. સંમેલનમાં જમાતે ઈસ્લામીના કેરાળાના નેતા અબ્દુલ અજીજ અમીરે દેખાવકારો પ્રત્યે પોતાના મજબૂત ટેકાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે, આ બીજી આઝાદીની લડાઈ છે. દળોને લોકો સામે ઝૂકવું પડશે. બેઠકમાં એબી અબુબાકેર, ટીપી મદાની પીકે કુનીકટ્ટુ (સાંસદ) સેબેસ્ટીયન પોલ વગેરેને સંબોધન કર્યું હતું. રેલી જવાહરલાલ નહેરૂ ઈન્ટરનેશનલ સ્ટેડિયમથી શરૂ થઈ હતી. રેલીમાં સીએએ-એનઆરસી વિરૂદ્ધ બેનરો અને સૂત્રોચ્ચારો કરાયા હતા.