(એજન્સી) પુણે, તા.૨
પુણેથી ૪૦ કિ.મી. દૂર આવેલ ભીમા કોરેગાંવમાં પ લાખથી વધુ દલિતો ઉમટી પડશે. ૧૮૧૮ના વર્ષમાં આજની તારીખે આ સ્થળે અંગ્રેજો અને મરાઠા પેશવાઓ વચ્ચે યુદ્ધ થયું હતું. જે યુદ્ધમાં અંગ્રેજોની સેનામાં દલિતો જોડાયા હતા અને યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ હતી. આ જીતને દલિતો પોતાની પેશવાઓ ઉપરની જીત તરીકે ગણાવે છે અને એ વિજયની ઉજવણી કરવા અહીં લાખો દલિતો અહીં ભેગા થાય છે. દલિતો આજના દિવસને ‘વિજય સ્તંભ’ તરીકે ગણાવે છે. જો કે, બે વર્ષ પહેલાં આ દિવસે અહીં હિંસા ફાટી નીકળી હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘવાયા હતા. જેના લીધે પોલીસે દલિત નેતાઓની ધરપકડો કરી હતી. આ વર્ષે રાજ્ય સરકારે અગમચેતીના પગલાં લઈ ૧૦ હજારથી વધુ પોલીસો ખડકી દીધી છે અને તકેદારી રૂપે ઈન્ટરનેટ સેવા બંધ કરી છે. પુણેના જિલ્લા કલેકટર નવલ કિશોરે માહિતી આપી હતી. એસઆઈજી સુહાસ વાડકેએ જણાવ્યું હતું કે, લગભગ પ લાખ દલિતો આજે અહીં આવશે. ગયા વર્ષે લગભગ ૧૦ લાખ લોકો આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને મુખ્ય દલિત નેતા પ્રકાશ આંબેડકરે આ સ્થળની મુલાકાત આજે સવારે લીધી હતી. રાજ્યના અને કેન્દ્રના પણ અન્ય મંત્રીઓ આજે આવશે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તકેદારી રૂપે શાળાઓ, કોલેજો, ઓફિસો અને બજારો બંધ રખાયા છે અને પુણેના એક છેડેથી અહમદનગર હાઈવે તરફના ટ્રાફિકને ડાયવર્ટ કરાયો છે.