(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૬
ભારતની રાજધાની દિલ્હીમાં ચાર માળની ઈમારત ધરાશય થતા જ ૪ બાળકો અને ૧ મહિલા સહિત પાંચ લોકોનાં મોત નિપજ્યાં છે. અશક વિહારના સાવન પાર્ક ભારત નગરમાં ઈમારત ધસી પડતા પાંચના મોત નિપજ્યા છે અને નવ લોકો ઘાયલ છે તેમાંથી ત્રણ ગંભીર રીતે ઘાયલ છે. ઘટનાના કારણે વિસ્તારમાં ભાગ-દોડ સર્જાઈ ગઈ હતી. પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચતા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અને ઘાયલોને દીપચંદ બંધુ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની બે ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ઈમારત ધસી પડતા મૃતકોમાં મહિલાની ઓળખ મુન્ની તરીકે થઈ છે. અને તેના બે ભાઈ જેની ઉંમર ૧૦ વર્ષ હતી. અને બીજા એક છોકરા અને છોકરીની ઉંમર પ વર્ષ હતી.
પોલીસે જણાવ્યું કે ૯.ર૦ વાગે તેમને ઈમારત પડી હોવાનો ફોન આવ્યો હતો. અને ફાયર બ્રિગેડના છ વાહનો લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈના હવાલાથી જણાવ્યું કે ઈમારત લગભગ ર૦ વર્ષ જૂની અને નબળી હતી.