અમદાવાદ,તા.૧
રાજ્ય સરકાર દ્વારા હાલ મગફળીની ખરીદીની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ મગફળી ખરીદીની કામગીરીમાં જેમને ફરજ સોંપવામાં આવી છે. તેમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. જે અંગે સરકાર દ્વારા શુક્રવારે બે કર્મચારીઓની સામે ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. આ પછી શનિવારે વધુ છ અધિકારી અને કર્મચારીઓ સામે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં વિવિધ સ્થળોએ મગફળી ખરીદવા માટે કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે. જેના અંતર્ગત વિવિધ મગફળી ખરીદ કેન્દ્રો પર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. આ મગફળી ખરીદીની પ્રક્રિયા અંતર્ગત સોંપાયેલી ફરજમાં ગેરહાજર રહેનાર બે કર્મચારી સામે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી દ્વારા શુક્રવારે ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. એટલું જ નહિ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરીને તેમને ફરજના સ્થળે હાજર કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રાજકોટ (ગ્રામ્ય)ના મદદનીશ કલેકટર ડો.ઓમ પ્રકાશ (આઈએએસ) દ્વારા વધુ ૬ અધિકારીઓ અને કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે, જેના કારણે રાજકોટ જિલ્લાના સરકારી કર્મચારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.