(એજન્સી) જયપુર, તા.ર૪
રાજસ્થાન હાઈકોર્ટે ૧૯૯૬ના સમલેટી બ્લાસ્ટ કેસમાં આરોપી લતીફ અહમદ બાજા, અલી ભટ્ટ, મિર્ઝા નિસાર, અબ્દુલ ગની અને રઈસ બેગ સમેત ૬ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા આદેશ કર્યો. આરોપીઓએ ર૩ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. આરોપીઓને છોડી મૂકતા હાઈકોર્ટે જણાવ્યું કે ફરિયાદી પક્ષ મામલામાં આરોપી વિરૂદ્ધ ષડયંત્ર રચવાના પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ મામલામાં મુખ્ય આરોપી અબ્દુલ હમીદ સાથે આરોપીઓનો સંબંધ પૂરવાર થયો નથી. હાઈકોર્ટે અબ્દુલ હમીદની ફાંસીની સજા કાયમ રાખી હતી. જેલથી છૂટયા પછી આરોપીઓએ કહ્યું કે ધરપકડ પહેલાં અમે એકબીજાને ઓળખતા પણ ન હતા. જેલમાંથી છૂટયા પછી બધાએ પોતાની આપવિતી જણાવી હતી. રઈસ બેગે કહ્યું જેલવાસ દરમિયાન અમે કુટુંબીજનોથી વિખૂટા પડી ગયા. મારા માતા-પિતા અને બે કાકાઓનું અવસાન થઈ ગયું હતું. છેવટે અમને કોર્ટે છોડી મૂકયા પણ અમે જેલમાં જે ર૩ વર્ષ વિતાવ્યા એ કોણ પાછા આપશે. બેગે કહ્યું કે, જેલમાં જ હતો ત્યારે એની બહેન અને ભત્રીજાના લગ્નો પણ થઈ ગયા. મિર્ઝાએ કહ્યું જ્યારે મારી ધરપકડ થઈ ત્યારે હું ૧૯ વર્ષનો હતો. હવે મારી વય ૩૯ છે. હું લગ્ન કરવા ઈચ્છું છું પણ હવે કઈ છોકરી મારી સાથે લગ્ન કરશે. રરમી મે ૧૯૯૬ના રોજ બિકાનેરથી આગ્રા જઈ રહેલ રાજસ્થાન રોડવેઝની બસમાં બ્લાસ્ટ થયો હતો જેમાં ૧૪ વ્યક્તિઓના મોત અને ૩૭ ઘવાયા હતા. એ પછી આ મામલામાં ૧ર વ્યક્તિઓને આરોપી બનાવાયા હતા. એક આરોપીને ર૦૧૪માં છોડી મૂકાયો. ૬ આરોપીઓને હાલમાં છોડી મૂકાયા છે.