અમદાવાદ, તા.૭
એકના ડબલ કરવાનું કહી ૨૬૦ કરોડનું કૌભાંડ કરનાર વિનય શાહની પત્ની ભાર્ગવીના કોર્ટે ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. સીઆઈડી ક્રાઈમે ૨૫ મુદ્દાને લઈ ભાર્ગવીના ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સીઆઈડીએ કરેલી પુછપરછમાં સામે આવ્યું હતું કે ભાજપના નેતા સુરેન્દ્ર રાજપુતના પુત્ર સ્વપ્નીલ અને ભાર્ગવી વચ્ચે કંપનીમાં રોકાણને લઈ વાત ચાલતી હતી. હવે સીઆઈડી તેમની વાતચીતના ઓડિયો ક્લિપ કબ્જે કરીને એફએસએલમાં મોકલશે. કંપનીમાં રોકાણમાં સ્વપ્નીલ રાજપુતની શું ભુમિકા હતી તે દિશામાં પણ તપાસ કરાશે. જો કે સીઆઈડી ક્રાઈમની પૂછપરછમાં ભાર્ગવીએ કેટલાક જવાબ આપ્યા હતા. જેમાં કૌભાંડ બહાર આવ્યા બાદથી તે છેલ્લા કેટલાક દિવસોથી બસ સ્ટેશનમાં રાત વિતાવતી હતી.
નેપાળમાં વિનય સાથે ઝડપાયેલી યુવતી વિશે ભાર્ગવી કઈ જાણતી નથી. પોલીસે ભાર્ગવી શાહના બેન્ક સ્ટેટમેન્ટ મંગાવ્યા. ભાર્ગવી અત્યારે બે કંપનીમાં ભાગીદાર હતી. ૫૭૦ લોકોના અત્યાર સુધી નિવેદનો લેવાયા. ભાર્ગવી શાહ એક વખત દિલ્હી પણ ગઈ હતી. ભાર્ગવી અને વિનય અલગ અલગ ફરાર થયા હતા. ૨૫ મુદ્દાને લઈ ભાર્ગવીના રિમાન્ડ માંગ્યા હતા. સમગ્ર મામલે પોલીસે કૌભાંડી વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવીની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં બે ફોર વ્હીલર અને બે ટૂ વ્હીલર, પાલડીમાં તેના ૪ ફ્લેટને સીઝ કરવાની કાર્યવાહી માટે કલેક્ટરને લેખિતમાં રજૂઆત મોકલવામાં આવી છે. ૨૬૦ કરોડનાં કૌભાંડ મામલે અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યા મુજબ વિનય શાહની કંપનીના જુદી-જુદી બેંકોમાં કુલ ૭ ખાતા હતા. જે ખાતામાં ૧૦ લાખ ૧૮ હજાર ૫ રૂપિયાનું બેલેન્સ છે.