(સંવાદદાતા દ્વારા)
ગોધરા, તા.ર
ગોધરામાં ચા પીને પરત ફરી રહેલા ત્રણ મુસ્લિમ યુવાનોને અજાણ્યા ૬ શખ્સોએ ‘જય શ્રીરામ’ બોલવાની ફરજ પાડી તેમની ઉપર હુમલો કર્યો હતો. જેમાં મુસ્લિમ યુવાનોને ગંભીર ઈજા થઈ હતી. ત્યારે સારવાર અર્થે તેમને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દેશભરમાં હાલ મોબલિંચિંગની એક પછી એક ઘટનાઓ ઘટી રહી છે. ત્યારે ગુજરાતમાં એલર્ટ રહેવાની જરૂર હતી પરંતુ ગુજરાતમાં પણ ગોધરામાં મોબલિંચિંગની ઘટના બનતાં રાજ્યની કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે ગોધરામાં મોબલિંચિંગની ઘટનામાં સંડોવાયેલા અસામાજિક તત્ત્વોને તાકીદે પકડીને તેમની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.
ગોધરા ખાતે બાવાની મઢી પાસેથી મુસ્લિમ સમાજના યુવાનો રાત્રીના ૧૧ વાગ્યાના સમયે ચા પીને પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક બે બાઈક ઉપર છ જેટલા યુવાનો આવી ચા પીને પરત ફરતા મુસ્લિમ યુવાનોને રોકી ‘જય શ્રીરામ’ બોલવા મજબૂર કર્યા હતા પરંતુ મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા જય શ્રીરામ બોલવાની ના પાડતાં મુસ્લિમ યુવાનો પર છ જેટલા યુવાનો દ્વારા ચેન, પંચ જેવા સાધનો વડે માથાના તેમજ શરીરના ભાગે હુમલો કરી ગદડાપાટુનો માર મારીને બળજબરીપૂર્વક જયશ્રી રામ બોલાવતા હતા પરંતુ મુસ્લિમ યુવાનોએ જય શ્રીરામ બોલવાની ના પાડતાં તેઓને વધુ માથાના ભાગે માર મરાતાં તેઓને માથાના તેમજ કાનના ભાગે ભાગે લોહી નીકળતાં ગભરાય ગયા હતા અને નીચે પડી ગયા હતાં આ જોઈ ૬ યુવાનો તમે જય શ્રીરામ નહી બોલો તો તમને જાનથી મારી નાખીશું તેમ જણાવી મોટરસાયકલ પર બેસી ભાગી ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા શહેરમાં રહેતા અને ગેરેજનો ધંધો કરતા સિદ્દીકભાઈ ભગતના પુત્ર સમીર તેમના મિત્રો સાથે બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ચા પીને પરત ફરી રહ્યા હતા ત્યારે બાવાની મઢી પાસે અચાનક બે બાઈક પર સવાર ૬ યુવાનો દ્વારા સમીર તેમજ તેના મિત્રો સાથેની બાઈક રોકી જય શ્રીરામ બોલવા બળજબળીપૂર્વક કહેતાં સમીર, સલમાન અને સોહેલે ના પાડતાં તેઓને ચેન, પંચ સહિતના સાધનો વડે હુમલો કરાતા માથા તેમજ કાનના ભાગે ઈજાઓ થઈ હતી અને વધુ પડતું લોહી નીકળતાં ૬ યુવાનો તેઓને ત્યાં મૂકી અને જય શ્રીરામ નહી બોલો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતાં મુસ્લિમ યુવાનો ગભરાય ગયા હતા અને બૂમો પાડવા લાગ્યા હતા જેથી ૬ યુવાનો પોતાની બે બાઈકો લઈ ભાગી ગયા હતા.
કોઈ અજાણ્યા શખ્સોએ માર મારી બળજબરીપૂર્વક જય શ્રીરામ બોલાવવાની કોશિશ કરી છે અને તમારા બાળકો સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે એડમીટ હોય તેવી જાણ થતાં સિદ્દીકભાઈ ભગતને થતાં તેઓ દ્વારા ૬ અજાણ્યા શખ્શો વિરૂદ્ધ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા ૬ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ આઈ. પી. સી. ની કલમ ૧૪૩, ૧૪૭, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. જો કે, ઝારખંડમાં તબરેઝ અન્સારી ઉપર મોબલિંચિંગની ઘટના બાદ ઝારખંડ અને યુપીમાં મોબલિંચિંગની ઘટનાઓ વધી રહી છે. તેના પરથી ગુજરાતે પાઠ શીખવાની જરૂર હતી પરંતુ ગુજરાતની શાંતિમાં પલિતો ચાંપવા માટે ગોધરામાં અસામાજિક તત્ત્વો દ્વારા મુસ્લિમ યુવાનોને ટાર્ગેટ કરી મોબલિંચિંગ કરવામાં આવ્યું છે. ત્યારે ગોધરાની શાંતિ ડહોળનારા આવા અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરીને કોના ઈશારે આવું કૃત્ય કરવામાં આવ્યું તેની પણ ચોક્કસ તપાસ થવી જોઈએ તેવી લોકમાંગ ઊઠવા પામી છે.

વિનાયક બારિયા તેના સાગરીતો સાથે શાંતિ ડહોળવાનું કામ કરી રહ્યો છે

ગોધરામાં મોબલિંચિંગની ઘટના ઘટી છે. ત્યારે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં જણાવાયું છે કે હાલ તા. ૨૯/૦૭/૨૦૧૯ના રોજ ગોધરા શહેરના સાવલીવાડ વિસ્તારના હિન્દુ મુસ્લિમ રહીસોએ કોમી એકતા સાથે વિનાયક બારીઆ તથા તેના સાગરીતોના નામની ફરિયાદ રહીસો દ્વારા એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટરને કરવામાં આવી હતી અને લેખિતમાં પણ જાણ કરી જણાવવામાં આવ્યું હતું કે આવા અસામાજિક તત્વો વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છતાં પણ આ અસામાજિક તત્વો દ્વારા ફરીવાર ગોધરા શહેરના શાંતિમય માહોલને ડહોળવાનુ કામ કરી રહ્યા છે જે ગોધરા શહેરના શાંતિમય વાતાવરણ માટે ખૂબ જ દુઃખ દાયક ગણાશે. આ બાબત વિશે અને આ અસામાજિક તત્વો વિરૂદ્ધ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે અને કાયદાકીય કાર્યવાહી કરી ગોધરા શહેરના શાંતિમય વાતાવરણ ને ડહોળાતું અટકાવવામાં આવે એવી માંગ સોશિયલ મીડિયા ઉપર ઉઠી છે.

મોબલિંચિંગમાં હુમલાખોરો સામે કલમ ૩૦૭ મુજબ ગુનો નોંધવા માંગ

ગોધરામાં મોબલિંચિંગની ઘટના મામલે જમિયત ઉલ્માએ હિન્દ પંચમહાલ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે, ગત રાત્રે નિર્દોષ સગીરો પર હુમલો એ ખૂબ જ ગંભીર ઘટના છે. હુમલો કરનારા આ અગાઉ પણ આવા નાપાક પ્રયાસો કરી ચૂકયા છે. ત્રણેય નિર્દોષ યુવકો પર વિના કારણે હુમલો કરવામાં આવ્યો. વળી તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડવામાં આવતાં ખૂબ જ માત્રામાં લોહી વહી ગયું. આ એક પ્રકારે હત્યાનો પ્રયાસ હોવાથી આવા હુમલાખોરો પર કલમ ૩૦૭ પણ લગાડવાની અમે માગણી કરીએ છીએ. આશા છે કે આપ મામલાની ગંભીરતાને જોતાં કલમ ૩૦૭નો ઉમેરો કરાવશો. ઉપરાંત તેમના પર શાંતિ ડહોળવા અંગે કડકમાં કડક કાર્યવાહી કરવા અમારી માગણી છે. ઉપરાંત જય શ્રીરામનો નારો બોલાવવા અંગે ધાર્મિક લાગણી દુભાવવાની કડક કલમો ઉમેરવા અમારી માગણી છે. એમ જમિયત ઉલમાએ હિન્દ પંચમહાલ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે.