(એજન્સી) પેલેસ્ટીન, તા.૧૩
ઈઝરાયેલી લશ્કર દ્વારા કરવામાં આવેલા એક આંતરિક સર્વે મુજબ, લશ્કરી દળોમાં પ્રવેશ મેળવેલી દર ૬માંથી ૧ મહિલા જાતિય સતામણીનો ભોગ બને છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા સર્વેના પરિણામોનો નિષ્કર્ષ લશ્કરી સ્ટાફના વરિષ્ઠ જાતિય સલાહકાર દ્વારા કાઢવામાં આવ્યો હતો. તેમણે આ સર્વે પ્રશ્નાવલી પદ્ધતિથી હાથ ધર્યો હતો. જેને અંતર્ગત લશ્કરી દળમાં કાર્યરત હજારો ઈઝરાયેલી મહિલા સૈનિકો પાસેથી પ્રશ્નાવલીની વિગતો ભરાવવામાં આવી હતી. પ્રશ્નાવલીના નિષ્કર્ષ પરથી જાણવા મળ્યું કે, મોટાભાગની મહિલાઓએ કબૂલ્યંુ છે કે, તેઓ તેમની સેવા કાળ દરમિયાન એકથી વધુ વખત જાતિય સતામણીનો ભોગ બની ચૂકી છે.
મહિલા સૈનિકોની જાતિય સતામણી અંગે કરવામાં આવેલા આ સર્વેમાં દર્શાવવામાં આવેલા આંકડાઓ અનુસાર, ૬ ટકા મહિલાઓએ કહ્યું કે, તેઓની તેમના સેવા કાળ દરમિયાન બે કે ત્રણ વખત જાતીય સતામણી થઈ છે. જ્યારે અન્ય ૩ ટકા મહિલા સૈનિકોએ જણાવ્યા અનુસાર, તેઓ ૪ કે તેથી વધુ વખત જાતિય સતામણીનો ભોગ બનેલ છે. આ અભ્યાસની આંકડાકીય વિગતો પરથી આવેલા તારણ મુજબ, પ્રત્યુત્તર આપનારી મોટાભાગની મહિલા સૈનિકોએ કહ્યું છે કે, તેઓ ચાર કે તેથી વધુ વખત જાતિય સતામણીનો ભોગ બની ચૂકેલ છે કે જેના આંકડાઓમાં વર્ષ ૨૦૦૪થી સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અભ્યાસમાં પ્રકાશિત આંકડાઓ અનુસાર, ૬૦ ટકા મહિલા સૈનિકોને જાતિય સતામણીનો ભોગ બનવા પર મજબૂર કરવામાં આવી હતી, અને તેઓને મજબૂર કરવા માટે તે પ્રકારનું વાતાવરણ પણ ઊભું કરવામાં આવ્યું હતું.
ગત વર્ષે ચર્ચામાં આવેલા મોટાભાગના કેસોમાં બળાત્કાર અને સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યો સામેલ હતા. ઈઝરાયેલી લશ્કરી દળમાં થઈ રહેલા દુષ્કર્મો અંગેના કિસ્સાઓ અંગે મહાચર્ચાઓ પણ કરવામાં આવતી હતી. જો કે, ઈઝરાયેલી લશ્કરના જણાવ્યા અનુસાર, તેણે ૨૫૦ જેટલા જાતિય સતામણીના કેસો અંગે તપાસ હાથ ધરી છે. જેમાં વર્ષ ૨૦૧૪ના ૮ તથા વર્ષ ૨૦૧૩ના ૫ બળાત્કારના કેસોનો સમાવેશ થાય છે.