જૂનાગઢ, તા. ર૧
જૂનાગઢના ચકચારી બેવડી હત્યા પ્રકરણમાં પોલીસે જૂનાગઢના કાપડ વેપારી એસો.ના પ્રમુખ સહિત વધુ છ શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ ઉપર મેળવવા તજવીજ હાથ ધરી છે. જૂનાગઢમાં ચોરીની શંકાના આધારે ગત તા. ૧ના રોજ સિરાજ ઉર્ફે ઉંદરડી રફીક નાગોરી, કિશન ઉર્ફે બીટુ રમેશ પરમાર અને રોહિતના અપહરણ કરી ગોંધી રાખી ઢોર માર તથા વિજ શોક આપતા સિરાજ અને કિશનના મૃત્યુ થયા હતા અને રોહિતને ગંભીર ઈજા પહોંચાડી હતી. બંને યુવાનોની હત્યા કરી પુરાવાનો નાશ કરવા સીરાજ અને કિશન બંને યુવાનોની લાશોને ગીરનાર જંગલમાં અલગ-અલગ સ્થળે ફેંકી દીધી હતી. જ્યારે રોહિતને સારવારમાં રાજકોટ ખસેડાયો હતો તે ભાનમા આવતા બેવડી હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે આ બનાવમાં રાકેશ ઉર્ફે મુન્ના બચુ કોળી, શૈલેષ ઉર્ફે ટાટમ જમનાદાસ ટાટમિયા અને સંજય ઉર્ફે બગી રામભાઈ ભાદરકાની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ ઉપર મેળવી સંડોવાયેલાઓનાં નામો ઓકાવ્યા હતા. બાદમાં ડીવાયએસપી એમ.એસ. રાણાની આગેવાની હેઠળ તેમની સ્કવોડે મહેશ રવિશંકર રાવલ, કાપડ વેપારી એસો.ના પ્રમુખ ભુપેન્દ્ર ઉર્ફે ભુપત રતિલાલ તન્ના, હાર્દિક અરવિંદ ભાદરકા, નિતિન ઉર્ફે મચ્છર ચંદુ ચાવડા અને સુધીર ઉર્ફે લાલો બાલુભાઈ ડાભીને ઝડપી લીધા હતા. જ્યારે બેવડી હત્યામાં સંડોવાયેલ સમીર ઉર્ફે મુનો ખારવો કોળીને પોરબંદર ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો હતો. આ બેવડી હત્યામાં વધુ શખ્સોની ધરપકડ કરી છે. આ બનાવમાં રપથી વધુ લોકો સંડોવાયેલ હોય તેથી નાસતા ફરતા શખ્સોનેે પકડવા માટે ઝડપાયેલાઓને રિમાન્ડ ઉપર મેળવી તેઓ પાસેથી અન્ય શખ્સોની માહિતી પોલીસ ઓકાવશે. ઝડપાયેલાઓમાં મોટા ભાગના મદદગારીમાં હોવાનું પોલીસ જણાવી રહી છે. જૂનાગઢ બેવડી હત્યામાં કાપડ વેપારી એસો.ના પ્રમુખની ધરપકડ થતા જૂનાગઢ માંગનાથ રોડના વેપારીઓમાં ચકચાર પ્રસરી ગઈ છે.