(એજન્સી) શોપિયાં, તા. ૨૬
પોલીસે દાવો કર્યો હતો કે, પ્રાંતમાં રહેતા છ કુખ્યાત ઉગ્રવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે, માર્યા ગયેલા ઉગ્રવાદીઓમાં ત્રણ લશ્કર અને હિઝબુલના ઉગ્રવાદી હતા. જો કે, શોપિયાં જિલ્લાના કરપાણના બાટગુંડ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં કાશ્મીરના કુલગામના એક આર્મી જવાન પણ શહીદ થયા હતા. કુલગામમાં ૧૫ વર્ષથી રહેતા નાગરિક નૌમાન અશરફને ગોળીઓ વાગતા ગંભીર હોવાથી તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે, સેનાએ કોઇપણ ઉશ્કેરણી વિના અને અવિવેકી રીતે ગોળીઓ વરસાવી હતી જેમાં ૬૮ સામાન્ય નાગરિકો ઘવાયા છે જેમાં એક ત્રણ વર્ષની બાળકી પણ ઘવાઇ છે. મોતને ભેટેલા ઉગ્રવાદી ઉમર મજીદનો ફોટો તાજેતરમાં શ્રીનગરના લાલચોક ખાતેના ક્લોક ટાવર પર લટકાવાયો હતો. એવો દાવો કરાયો હતો કે, શ્રીનગરના હઝરત બલ ખાતે ત્રણ ઉગ્રવાદીઓની બેઠક બાદ આ ફોટા લેવાયા હોઇ શકે. પોલીસે કહ્યું કે, આ ફોટા ફાડી નાખવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું કે, રાતે એક વાગે સામ સામે ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં બે ઘર નાશ કરી દેવાયા હતા. આ અભિયાન નવ કલાક ચાલ્યું હતું. બાટગુંડના સ્થાનિકો અનુસાર શનિવારે રાતે આશરે ૧૧ વાગે તેઓને ગામમાં સૈનિકોની હલચલ દેખાઇ હતી. થોડીવારમાં જ તલાશી શરૂ થઇ ગઇ હતી. રાતે એક વાગે ગામમાં ફાયરિંગ શરૂ થઇ ગયું હતું. કુલગામની હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે, અહીં કુલ ૧૬ ઘાયલ લોકો આવ્યા હતા જેમાં ત્રણને ગોળીઓ વાગી હતી જ્યારે ત્રણ લોકોને પેલેટગન વાગી હતી. કુલગામ જિલ્લાના બોસૂલ ગામનો નૌમાન આસિફ આ ગોળીબારમાં મૃત્યુ પામ્યો હતો. કુલગામમાંથી ૫૧ ઇજાગ્રસ્તોને શોપિયાંની હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા.