અમદાવાદ, તા.૩૧
ઉત્સવપ્રિય ગુજરાત સરકારના શાસનમાં રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરવાને બદલે દિન-પ્રતિદિન કથળી રહ્યું છે. પ્રોફેશનલ કોર્સની ખાલી રહેલી બેઠકો તેનું ઉદાહરણ છે. ચાલુ વર્ષે જ પ્રવેશ પ્રક્રિયાના અંતે વિવિધ પ્રોફેશનલ કોર્સની ૭૦ ટકાથી ૩પ સુધીની બેઠકો ખાલી રહી છે.
રાજ્યમાં એન્જીનીયરીંગ, ફાર્મસી,એમબીએ-એમસીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા એન્જીનીયરીંગ સહિતના પ્રોફેશનલ કોર્ષની ૨૨૨૬૬૭ જેટલી સીટો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૨૨૨૬૬૭ માંથી માંડ ૧૦૯૭૨૪ જેટલી બેઠકો જ ભરાઈ છે. જ્યારે ૧લાખ ૧૨ હજાર ૯૪૩ બેઠકો ખાલી રહી છે. આમ પ્રોફેશનલ કોર્ષની ઓવર રોલ ૪૯ ટકા બેઠકો જ ભરાઈ છે જ્યારે ૫૧ ટકા બેઠકો ખાલી છે. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી અને ટેકનીકલ શિક્ષણના ઉચ્ચ અધિકારીઓ ઉદ્યોગપતિઓને પીપીપી ધોરણે ડીગ્રી-ડીપ્લોમા, ઈજનેરી કોલેજો ખોલવા માટે વાર્તાલાપ થાય. સરકારી બેઠકોમાં વધારો ન કરી સરકાર પીપીપી ધોરણે ઉદ્યોગપતિઓને હવાલે ટેકનીકલ શિક્ષણ સોંપવા જઈ રહી છે.
રાજ્યમાં ટેકનીકલ શિક્ષણની સતત અધોગતિ અને અવદશા માટે અપૂરતા અધ્યાપકો, લેબોરેટરી, લાયબ્રેરી સહિતની સુવિધાનો અભાવ, ફી ના અતિ ઊંચા ધોરણો, રોજગારની સતત ઘટતી જતી તકો અને દિશાવિહીન શિક્ષણ વિભાગ જવાબદાર હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે ડિગ્રી એન્જીનીયરીંગની ૬૩૮૪૬ સીટો માંથી ૩૦૫૨૧ સીટો ભરાઈ છે. એટલે કે ૪૭ ટકા બેઠકો ભરાઈ છે જ્યારે ૫૩ ટકા સીટો ખાલી રહી છે. તો એમસીએની ૪૭૩૨ સીટો માંથી માત્ર ૫૮૯ સીટો ભરાઈ છે..એટલે કે એમસીએની ૧૨ ટકા જ સીટો ભરાઈ છે જ્યારે ૮૮ ટકા સીટો ખાલી રહી છે. ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જીનીયરીંગની ૨૭ ટકા સીટો ભરાઈ છે જ્યારે ૭૩ ટકા સીટો ખાલી રહી છે. છેલ્લા પાંચેક વર્ષથી વિવિધ પ્રોફેશનલ કોર્ષની ખાલી સીટોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે રાજ્યમાં પ્રોફેશનલ કોર્ષની કોલેજો બંધ થતાં દર વર્ષે સીટોમાં ઘટાડો થઈ રહ્યો છે અને ખાલી સીટોમાં વધારો થઈ રહ્યો છે.
એન્જીનીયરીંગ, ડિપ્લોમા એન્જીનીયરીંગ, ફાર્મસી, એમબીએ-એમસીએ સહિતના કોર્ષની ૬૦ ટકાથી ૯૦ ટકા બેઠકો ખાલી રહી છે.

પ્રોફેશનલ કોર્ષની વર્ષ-૨૦૧૬ની સ્થિતિ
કોર્ષ કુલ બેઠકો ખાલી બેઠકો ખાલી બેઠકોની ટકાવારી
ડિગ્રી એન્જીનીયરીંગ ૬૮૬૬૭ ૩૦૬૦૯ ૪૫ ટકા
ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી ૫૩૮૫ ૨૧૧૧ ૪૦ ટકા
ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જી. ૪૩૦૮૦ ૨૬૫૬૮ ૬૨ ટકા
એમબીએ ૧૦૧૦૦ ૪૧૮૪ ૪૨ ટકા
એમસીએ ૫૮૯૦ ૫૩૫૩ ૯૧ ટકા
કુલ ૧૫૫૩૫૩ ૮૨૭૬૨ ૫૪ ટકા
પ્રોફેશનલ કોર્ષની વર્ષ-૨૦૧૭ની સ્થિતિ
કોર્ષ કુલ બેઠકો ખાલી બેઠકો ખાલી બેઠકોની ટકાવારી
ડિગ્રી એન્જીનીયરીંગ ૬૮૧૧૩ ૩૩૭૦૪ ૫૦ ટકા
ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી ૫૬૭૫ ૯૨૮ ૧૩ ટકા
ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જી. ૪૫૦૬૭ ૩૧૧૦૬ ૬૯ ટકા
એમબીએ ૯૮૭૦ ૩૪૫૬ ૩૫ ટકા
એમસીએ ૫૪૧૦ ૪૮૮૭ ૯૧ ટકા
ડિપ્લોમા એન્જીનીયરીંગ ૬૬૭૧૫ ૨૫૩૨૨ ૩૮ ટકા
કુલ ૨૩૨૦૨૮ ૧૨૦૭૯૮ ૫૨ ટકા
પ્રોફેશનલ કોર્ષની વર્ષ-૨૦૧૮ની સ્થિતિ
કોર્ષ કુલ બેઠકો ખાલી બેઠકો ખાલી બેઠકોની ટકાવારી
ડિગ્રી એન્જીનીયરીંગ ૬૩૮૪૬ ૩૩૩૨૫ ૫૩ ટકા
ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી ૫૭૪૫ ૮૦૯ ૧૪ ટકા
ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જી. ૪૮૭૫૮ ૩૫૬૮૧ ૭૬ ટકા
એમબીએ ૮૯૭૯ ૨૦૬૫ ૨૩ ટકા
એમસીએ ૪૭૩૨ ૪૧૪૩ ૮૮ ટકા
ડિપ્લોમા એન્જીનીયરીંગ ૬૧૬૫૦ ૧૬૪૭૭ ૨૭ ટકા
કુલ ૨૨૨૬૬૭ ૧૨૨૯૪૩ ૫૧ ટકા