(એજન્સી) વૉશિંગ્ટન, તા.૮
અમેરિકામાં ભારતીય એન્જિનયિર શ્રીનિવાસ કુચિભોતલાની હત્યાના કેસમાં યુએસના પૂર્વે નેવી ઓફિસર એડમ પુરિન્ટને ૬૦ વર્ષની સજા ફટકારી છે. એડમને ત્રણ વખત આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. ઓલાથેના એડમ પુરિન્ટને ૩૨ વર્ષીય ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોતલાને ફેબ્રુઆરી, ૨૦૧૭માં કેન્સાસના એક બારમાં ગોળી મારી હતી. આ હુમલામાં બે અન્ય લોકો ઘાયલ થયા હતા. જેમાં ભારતીય મૂળના અલોક મદસાની અને કેન્સાસના નિવાસી ઈયાન ગ્રિલોટનો સમાવેશ થાય છે.
ગયા વર્ષે ૨૨ ફેબ્રુઆરીના ઓલાથે શહેરના ઓસ્ટિન બાર એન્જ ગ્રિલમાં શ્રીનિવાસની હત્યા કરવામાં આવી હતી. આ પહેલા મે મહિનામાં થયેલી સુનાવણી દરમિયાન તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
અમેરિકામાં ૩૦મી જાન્યુઆરીના રોજ યોજાયેલા વાર્ષિક સંબોધન કાર્યક્રમમાં ભારતીય મૂળની સુનયના દુમાલાને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. સુનયના અમેરિકામાં હત્યા કરવામાં આવેલા ભારતીય એન્જીનિયર શ્રીનિવાસ કુચિભોતલાની પત્ની છે. નોંધનીય છે કે પતિના મોત બાદ દુમાલાએ અમેરિકામાં રહેવાનો અધિકાર ગુમાવી દીધો હતો, કારણ કે તેને આ અધિકાર શ્રીનિવાસની પત્ની તરીકે મળ્યો હતો. જોકે, બાદમાં તેને ત્યાં રહેવાની મંજૂરી મળી હતી.