(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલ આંધ્રા બ્રાંચમાં બોગસ દસ્તાવેજા રજૂ કરી લોન મેળવી રૂપિયા ૬૩.૦૫ કરોડની ઠગાઈ કરનાર મેસર્સ કુબેર એન્ટર પ્રાઈઝ, મેસર્સ દૃષ્ટિ ટ્રેડલીંક સહિત પાંચ જણા વિરુદ્ધ બેન્કે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નાનપુરા આંધ્રા બેન્કના મેનેજર મિહિર રંજનદાસે આરોપી ચિરંતર એસ. જાદવ (મેસર્સ કુબેર એન્ટરપ્રાઈઝ) વિવેક રમેશ પટેલ (વલ્લભનગર સોસાયટી વરાછા રોડ), ચિરાગ રમેશ પટેલ (વલ્લભ નગર વરાછા રોડ), વિવેક પાંડે (સિલ્વર પોઈન્ટ, અડાજણ), મેસર્સ દૃષ્ટિ ટ્રેડલીંક (લોહા ભવન આશ્રમ રોડ, અમદાવાદ) વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં બોગસ બનાવટી દસ્તાવેજા બનાવી બેન્કમાં આપી રૂપિયા ૬૩,૦૫,૫૩,૭૫૦ની લોન મેળવી બેન્ક સાથે ઠગાઈ કરી હતી. અઠવા પોલીસે ગુનો નોધી પીઆઈ ડી.કે. રાઠોડે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા તા. ૨૮-૩-૨૦૧૭ના રોજ લોન મેળવવામાં આવી હતી. એમ્બ્રોઈડરી મશીન ખરીધવા માટે કરોડો રૂપિયાની લોન મેળવવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બેન્કની ફરિયાદના આધારે બેન્ક પાસે પોલીસે તમામ દસ્તાવેજી કાગળો માંગવામાં આવ્યા છે. અને તપાસ હાથ ધરવામાં આવી છે. બેન્ક સાથે ઠગાઈ કરનારા આ તમામ લોકો મોટા માથા હોવાનું જાણવા મળ્યું છે.