ગાંધીનગર, તા.૨૮
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાનુ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ હતુ. પરિણામ ૬૭.૫૦ ટકા રહ્યુ છે. જાહેર કરવામાં આવેલા પરિણામમાં આ વખતે સુરત જિલ્લાએ મેદાન મારી લીધુ છે. સુરત જિલ્લાનુ પરિણામ ૮૦.૦૬ ટકા રહ્યુ છે. જ્યારે દાહોદ જિલ્લાનુ પરિણામ સૌથી ઓછુ ૩૭.૩૫ ટકા રહ્યુ છે. પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. જુનાગઢના ખોરાસા કેન્દ્રનુ પરિણામ ૯૬.૯૩ ટકા રહ્યુ છે. પરિણામની વાત કરવામાં આવે તો આ વખતે ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા માર્ક મેળવી લેનાર સ્કુલોની સંખ્યા ૩૬૮ રહી છે. આવી જ રીતે ગુજરાતી માધ્યમનુ પરિણામ ૬૫.૧૬ ટકા રહ્યુ છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ ૯૦.૧૨ ટકા રહ્યુ છે. ૭૨.૬૯ ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઇ છે. જ્યારે વિદ્યાર્થીઓમાં પાસની ટકાવારી ૬૨.૭૩ ટકા રહી છે. એવન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૬૩૭૮ જેટલી નોંધાઇ છે. આવી જ રીતે એટુગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૩૩૯૫૬ રહી છે. જિલ્લાવાર ટકાવારીની વાત કરવામાં આવે તો સુરત જિલ્લાએ મેદાન મારી લીધુ છે. સુરત જિલ્લાનુ પરિણામ સૌથી વધારે છે. અમદાવાદ શહેરનુ પરિણામ ૭૨.૪૨ ટકા રહ્યુ છે. આવી જ રીતે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારનુ પરિણામ ૭૦.૭૭ ટકા રહ્યુ છે. જુદા જુદા કારણોસર ૬૧૫ વિદ્યાર્થીઓનુ પરિણામ અનામત રાખવામાં આવ્યુ છે. હિન્દી માધ્યમનું પરિણામ ૭૨.૩૦ ટકા રહ્યું છે. આ વખતે ગેરરીતિના ૧૦૫ કેસ સપાટી ઉપર આવ્યા છે. સીસીટીવી કેમેરા ફુટેજના અનુસંધાનમાં નોંધાયેલા ગેરરીતિના કિસ્સા ૧૨૩૧ રહ્યા છે. અન્ય કારણોસર અનામત રાખવામાં આવેલા પરિણામ ૬૭૫ રહ્યા છે. આવી જ રીતે ૨૦ ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬૫૦ રહી છે. પરિણામને લઇને ભારે ઉત્સુકતાથી રાહ જોવામાં આવી રહી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં વિદ્યાર્થીઓની તુલનામાં વિદ્યાર્થિનીઓ વધારે શાનદાર દેખાવ કરી રહી છે. આ વખતે પણ આવી જ સ્થિતી રહી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ગુજરાતી માધ્યમનુ પરિણામ ખુબ ઓછુ રહ્યુ છે. ૬૫.૧૫ ટકા પરિણામ રહેલા ગુજરાતી સમુદાયના નિષ્ણાંતોમાં ભાષાને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ ૧૦માં આ પરીક્ષામાં આ વખતે ૭૯૫૫૨૮ નિયમિત વિદ્યાર્થીઓ હતા જે પૈકી ૭૯૦૨૪૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. નિયમિત ઉમેદવારોનું પરિણામ ૬૭.૫૦ ટકા રહ્યું છે અને ૫૩૩૪૧૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. રિપીટરોની વાત કરવામાં આવે તો તેમની પાસની ટકાવારી ૧૪.૧૮ ટકા અને ખાનગી ઉમેદવાર તથા એક્સટર્નલ વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી ૬.૯૪ ટકા રહી છે.