દિલ્હીએ વિધાનસભાની ચૂંટણીઓમાં ફરી એક વાર કોંગ્રેસને ફગાવી દીધી છે. દિલ્હીના લોકોએ લાંબા સમય સુધી કોંગ્રેસને દૂર રાખવાનું  નક્કી કરી લીધું હોવાનું લાગે છે. કોંગ્રેસે ૭૦ સીટ પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા પરંતુ ૭૦માંથી ૬૭ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ ગઇ છે. માત્ર ત્રણ મતવિસ્તાર ગાંધીનગર, બાદલી અને કસ્તુરબા નગરમાં કોંગ્રેસના ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવવામાં સફળ રહ્યા છે. ચાંદની ચોકના ધારાસભ્ય અલકા લાંબા પણ પોતાની ડિપોઝીટ બચાવી ન શક્યાં. અલકા લાંબા આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં સામેલ થયાં હતાં. વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ઉમેદવારો ચૂંટણી પંચ પાસે ૧૦,૦૦૦ રૂપિયા ડિપોઝીટ તરીકે જમા કરાવે છે. જો ઉમેદવાર કુલ મતદાનના છઠ્ઠા ભાગના મતો મેળવવામાં નિષ્ફળ નીવડે તો તેમની ડિપોઝીટ જપ્ત થઇ જાય છે.