(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૦
અમદાવાદની આસપાસના ૬૮ ગામના ખેડૂતોની જમીન હડપ કરવાના રાજકારણીઓના ષડયંત્ર સામે બાંયો ચડાવવા ખેડૂતો માટે લડત ચલાવતા સંગઠનના સાગર રબારી અને પાસના પ્રવક્તા અતુલ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઈને તા.૮ સપ્ટેમ્બરના રોજ રેલી કાઢવાનું આયોજન કર્યું છે.
આ અંગે પાસના પ્રવક્તા અતુલ પટેલે જણાવ્યું હતું કે ઔડાના નામે અમદાવાદની આજુબાજુના ૬૮ ગામના ખેડૂતોની જમીન હડપ કરવાના રાજકારણીઓના ષડયંત્ર સામે ગામના સરપંચો સહિત ખેડૂતો માટે લડત ચલાવતા સાગર રબારી અને પાસના સમર્થનથી તા.૮ સપ્ટેમ્બરે ડાભલા ખાતે ખેડૂતોની રેલી કાઢવાનું આયોજન કર્યું છે. વધુમાં અતુલ પટેલે કહ્યું કે ઔડામાં સમાવેશ કરવામાં આવેલ ૬૮ ગામોની જમીનમાં ૪૦ ટકા કપાત જમીન જાય તેમ છે અને ગૌચર, પડતર ખરાબાની ગણીએ તો ૬૦ ટકા જમીન જાય તેમ છે. આ ઘાંચી જેવી સરકાર આદુ ખાઈને જગતના તાત એવા ખેડૂતોને કચડીને તેલ કાઢી રહી છે. ત્યારે ખેડૂત નેતા સાગર રબારી સાથે મળીને અમે લોકોએ આર યા પાર લડત લડવા મક્કમ નિર્ધાર કર્યો છે. ખેડૂતોને આ ચુંગાલમાંથી છોડાવીને જ જંપીશું એમ અતુલ પટેલે જણાવ્યું હતું.