(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૯
આણંદ શહેરમાં મહાવીર ઝુંપડપટ્ટી વિસ્તારમાં ગત મંગળવારે ઝાડા ઉલ્ટીના રોગચાળાના કારણે બે વર્ષની બાળકીનું મોત નીપજયું હતું. અને આરોગ્ય વિભાગની પેરા મેડીકલને જુદી જુદી ટીમોએ ઝુંપડપટ્ટી વિસ્તારમાંસર્વે હાથ ધરતાં સાત જેટલાં ઝાડા ઉલ્ટીના કેસો મળી આવ્યાં હતાં. તેમ છતાં તંત્ર દ્વારા માત્ર કલોરીન ટેબલેટનું વીતરણ કરી સંતોષ માન્યો હતો. પરંતુ આ વિસ્તારમાં ફેલાયેલી ગંદકી અને કાદવ કીચડ દુર કરવા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. શહેરના ભાલેજ રોડ પર આવેલા લધુમતી વસ્તી ધરાવતા વિસ્તારોમાં વરસાદના કારણે ભરાયેલા પાણી અને કાદવ કીચડના કારણે વિવિધ વિસ્તારમાં નર્કાગાર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. ત્યારે આણંદની ભાલેજ રેલવે ફાટક નજીક આવેલી એક કલીનીકમાં ઝાડા-ઉલ્ટીનાં વધુ સાત કેસ નોંધાયાં હતાં.
ઝાડા ઉલ્ટીનાં રોગચાળાનો ભોગ બનેલા દર્દીઓમાં રામીબેન ખીમાભાઈ (ઉ.વ.૮૦) રહે. ઈન્દીરા સ્ટેચ્યુ પાસે આણંદ, ઈદ્રીસભાઈ નજીરભાઈ મીર્ઝા ઉ.વ.૩પ રહે. યાદગાર સોસાયટી,અમીના મંજીલ પાસે આણંદ, મંજુબેન લઘુભાઈ સોલંકી (ઉ.વ.૩પ) રહે. સલાટીયા ફાટક પાસે આણંદ, કોકીલાબેન સતીસભાઈ વણઝારા (ઉ.વ.૪૦) રહે. આશીર્વાદ ફળીયું પરીખ ભુવન આણંદ, રઉફભાઈ રજજાકભાઈ મેમણ રહે. મેમણ કોલોની આણંદ, સંધ્યા પાલ રહે. રસીક કોલોની પરીખ ભુવન આણંદ, ગુલામે મુસ્તુફા હુસેનભાઈ રહે. બીસ્મીલા સોસાયટી આણંદ નોંધાયા હતાં.
આ ઉપરાંત શહેરની વિવિધ નાની હોસ્પીટલો અને કલીનીકોમાં દરરોજ સરેરાશ દસથીવીસ જેટલા ઝાડા ઉલ્ટીના દર્દીઓ નોંધાઈ રહ્યાં છે. પરંતુ ગરીબ અને મધ્યવર્ગના આ દર્દીઓ સરકારી જનરલ હોસ્પીટલમાં સારવાર માટે જતાં ન હોય તંત્ર દ્વારા ઝાડા ઉલ્ટીનાં કેસોમાં આ દર્દીઓની ગણના કરવામાં આવતી નથી. ત્યારે આ અંગે તંત્ર દ્વારા તાકીદે પગલા ભરી વરસાદી પાણીનો નીકાલ કરે તેમજ કાદવ કીચડ અને ફેલાયેલી ગંદકી દુર કરી સમગ્ર વિસ્તારમાંજંતુનાશક દવાઓનું વીતરણ કરવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે. જો આ અંગે તંત્ર દ્વારા રોગ નીયંત્રણ માટે પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દીવસોમાં રોગચાળો વકરવાની ભીતિ રહેલી છે.