(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૧
અમદાવાદમાં હાઈકોર્ટ નજીક વર્ષ ર૦૧૦માં આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા સંદર્ભે દોષિતો ઠરાવાયેલા ભાજપના પૂર્વ સાંસદ દીનુ સોલંકી સહિત સાત દોષિતોને સીબીઆઈ કોર્ટે આજે સજા ફટકારી હતી. કોર્ટે તમામ દોષિતોને આજીવન કેોની સજા સાથે કુલ રૂા.૬૦ લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમમાંથી ૧૧ લાખ અમિત જેઠવાના પરિવારને અપાશે. જેમાં પત્નીને પાંચ લાખ અને બંને બાળકોને ત્રણ-ત્રણ લાખ આપવાનો હુકમ કર્યો છે. આરટીઆઈ એક્ટિવીસ્ટ અમિત જેઠવાની હત્યાના મામલે દોષિત ઠરેલા ભાજપના પૂર્વ સાંસદ દીનુ સોલંકી સહિત ૭ દોષિતોને આજે સીબીઆઈ કોર્ટ સજાનું એલાન કર્યુ હતું. સવારે ૧૦.૩૦ વાગ્યાના સુમારે તમામ દોષિતોને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. સ્પે.સીબીઆઈ કોર્ટમાં આજે આ હત્યા કેસનો ચુકાદો આવ્યો હતો. કોર્ટે તમામ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે દીનુ સોલંકી તેના ભત્રીજા શિવા સોલંકી સહિત તમામ દોષિતોને હત્યા અને હત્યાના કાવતરા સહિતની ૩૦૨-૧૨૦ બી કલમ હેઠળ દોષિત ઠેરવ્યા હતા, જ્યારે શૂટર શૈલેષ પંડ્યાને આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે દોષિતોને સજાની સાથે રૂપિયા ૬૦ લાખ ૫૦ હજારનો દંડ પણ ફટકાર્યો હતો. આ સાથે જ કોર્ટે આદેશ કર્યો હતો કે જેઠવાના પરિવારને વળતર પેટે રૂપિયા ૧૧ લાખ ચુકવવામાં આવે. આ કેસના વકીલ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટેર મુકેશ કાપડિયાએ જણાવ્યું હતું કે આ કેસમાં કોર્ટે ૬૦.૫૦ લાખનો ટોટલ દંડ ફટકાર્યો છે. દીનુ સોલંકી અને શિવા સોલંકીને ૧પ-૧પ જ્યારે શુટર શૈલેષ પંડ્યા પોલીસ કોન્સ્ટેબલ અને બહાદુરસિંહ વાઢેરને ૧૦-૧૦ લાખનો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે શિવા પાચાણ દેસાઇને ૮ લાખનો દંડ, ઉદાજી ઠાકોરને રૂા. રપ હજારનો દંડ અને સંજય ચૌહાણને રૂપિયા ૧ લાખનો દંડ કરવામાં આવ્યો છે. આ દંડમાંથી ૧૧ લાખ પરિવારને વળતર આપવામાં આવશે. બંને બાળકોના નામે ૩-૩ લાખ રૂપિયા વળતર પેટે ચુકવાશે જ્યારે ૫ લાખ જેઠવાના પત્ની અલ્પા જેઠવાને ચુકવાશે. આ કેસની સુનાવણી દરમિયાન ૧૯૨ સાક્ષીમાંથી ૧૫૫ સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં અમિત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી સીબીઆઈ કોર્ટે હોસ્ટાઈલ થયેલા સાક્ષીઓ વિરૂદ્ધ પણ ફોજદારી ગુનો દાખીને કાર્યવાહી કરવાનો ઓર્ડર આપ્યો છે. સીબીઆઈ એડવોકેટ મુકેશભાઈએ કહ્યું કે, આ કેસ મર્ડર વિથ કોન્સ્પરન્સનો હતો. સૌથી મહત્વનું એ છે કે, કોર્ટે હોસ્ટાઈલ થયેલા આરોપીઓ સામે પણ એક્શન લેવાનો આદેશ કર્યો છે. આવા વિટનેસ માટે કોર્ટે કાયદેસર કાર્યવાહી કરવાનો ઓર્ડર આપ્યો છે. ખાસ કરીને ધર્મેન્દ્રગીરી નામના સાક્ષીએ પોતાના પુત્રને કિડનેપ કરવામાં આવ્યો છે તેવું જુબાનીમાં કહ્યું હતું. તે જુબાની માટે અસક્ષમ છે તેવું તેણે જણાવ્યું હતું. કોર્ટે આ બાબત ધ્યાનમાં રાખીને આ કેસમાં જે બનાવ વિટનેસ સાથે બન્યો છે, તેમાં બે તપાસ અધિકારી મુકેશ શર્મા અને એસ.એમ ચૌધરીને તપાસ કરીને રિપોર્ટ કરવા જણાવ્યું છે.

મારા પરિવારે ૧૦ વર્ષ યાતના ભોગવી, હવે ર૦ વર્ષ તેઓ ભોગવે : જેઠવાના પિતા

સજાના ચુકાદા બાદ અમિત જેઠવાના પિતા ભીખા જેઠવાએ જણાવ્યું હતું કે મને આ કેસમાં ન્યાય મળ્યો છે. મને ન્યાય તંત્ર પર સંપૂર્ણપણે વિશ્વાસ છે. આ કેસમાં ન્યાય થયો છે. ૧૦ વર્ષ સુધી મેં યાતના ભોગવી છે હવે ૨૦ વર્ષ તેમનો પરિવાર યાતના ભોગવે. ભીખા જેઠવાએ જણાવ્યું, “હું છેલ્લા ૧૦ વર્ષથી ન્યાય મેળવવા માટે તડપતો રહ્યો હતો, મારો પરિવાર ન્યાય મેળવવા માટે તડપતો હતો. પ્રકૃતિના સંવર્ધન માટે મારો પુત્ર લડતો હોય અને તેની જાહેરમાં હત્યા થઈ જાય પરંતુ આજે આ કેસમાં ન્યાય થયો છે. મારા પુત્રને ન્યાય મળ્યો છે.

કયા આરોપીને કેટલો દંડ

દિનુ બોઘા સોલંકી : ૧૫ લાખ દંડ
શૈલેષ પંડ્યા : આર્મ્સ એક્ટમાં આજીવન સજા ૧૦ લાખનો દંડ
ઉદાજી ઠાકોર : ૨૫,૦૦૦નો દંડ
શિવા પચાણ : ૮ લાખનો દંડ, ધારા ૩૦૨, ૧૨૦-મ્ અંતર્ગત સજા
શિવા સોલંકી : ૧૫ લાખનો દંડ
બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ) : આઈપીસી કલમ ૩૦૨, ૧૨૦-મ્ અને ૧૦ લાખનો દંડ
સંજય ચૌહાણ : ૧ લાખનો દંડ